દલાઈ લામા અરુણાચલ જશે તો ગંભીર પરિણામો આવશેઃ ચીન

નવી દિલ્હીઃ ચીને ભારતને ચેતવણી આપી છે કે જો દલાઈ લામા અરુણાચલ પ્રદેશ જશે તો ભારતે તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. તેની અસર ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર થઈ શકે છે. ચીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દલાઈ લામા એક આધ્યાત્મિક નેતા નથી, પરંતુ અલગતાવાદી નેતા છે.

દલાઈ લામાની સૂચિત અરુણાચલ પ્રદેશની મુલાકાતને લઈને ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. ચીનની સરકાર અગાઉ પણ કહી ચૂકી છે કે દલાઈ લામા વરુની ખાલમાં વરુ છે. ચીને દલાઈ લામા પર એવો આક્ષેપ કર્યો છે કે તેમણે તિબેટ ઓટોનોમર્સ રિજિયન અને તેના પડોશી પ્રાંતના લોકોને ભડકાવ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે ગત સપ્તાહે પણ જણાવ્યું હતું કે તે દલાઈ લામાના અરુણાચલ પ્રવાસને લઈને ચિંતિત છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે જણાવ્યું છે કે તેનાથી ચીન-ભારતના સંબંધો પ્રભાવિત થશે. ચીન દલાઈ લામાના વિવાદિત વિસ્તારમાં પ્રવેશ સામે વિરોધ કરી રહ્યું છે. ભારતની પૂર્વ સરહદના વિવાદ પર ચીનનું વલણ સ્પષ્ટ છે. દલાઈ લામા ઘણા લાંબા સમયથી ચીન વિરોધી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. ગ્લોબલ ટાઈમ્સે એ‍વું પણ લખ્યું છે કે ભારતીય અધિકારીઓ એ વાતનો અહેસાસ કરી રહ્યા નથી કે દલાઈ લામાના અરુણાચલ પ્રદેશના પ્રવાસના કેવાં પરિણામો આવશે. વિવાદિત વિસ્તારમાં દલાઈ લામાને પ્રવાસ કરવાની મંજૂરીથી તણાવ વધશે અને ભારત-ચીનના દ્વિપક્ષીય સંબંધો પર તેની ગંભીર અસરો પડશે.

http://sambhaavnews.com/

You might also like