૨૦૦થી વધુ લોકોને ઠગનાર ટૂર અાયોજક સામે હજુ ગુનો દાખલ કરાયો નથી

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ડેસ્ટિની ટૂરના સંચાલક દ્વારા સસ્તા દરે ગોવા લઇ જવાનું કહીને 200 કરતાં વધુ વ્યકિતઓ સાથે લાખો રૂપિયાની કરેલી છેતરપિંડીના ચકચારી કિસ્સામાં પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ નહીં કરતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. નવરંગપુરા સ્વસ્તિક સોસાયટી ખાતે આવેલ ડેસ્ટિની ટૂરની ઓફિસ ધરાવતા પાર્થ કલ્પેશ શાહ અને કૌશલ નામના બે શખ્સોએ 12મે થી 15મે સુધી ગોવા ટૂરમાં લઇ જવાના નામે 200 કરતાં વધુ વ્યકિતઓ પાસેથી 25 હજાર કરતાં વધુ રૂપિયા લીધા હતા. ભોગ બનનાર લોકો પાર્થ શાહ અને કૌશલ વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ધસી આવ્યા હતા.

મોડી રાત્રે પોલીસે પાર્થને જવા દીધો હતો અને ભોગ બનનારની અરજી લીધી હતી ત્યારે બીજી બાજુ પાર્થ શાહ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ થઇ છે. શનિવારના રોજ ભાવનગરમાં રહેતો અને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રોનક જોષી પાર્થ અને કૌશલ વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અાવ્યા હતા. જોકે પોલીસે તેને સાંભળવાની પણ તસ્દી લીધી નહીં લેતા અરજી લઇને રવાના કર્યો હતો. છેલ્લા 5 દિવસથી સંખ્યાબંધ લોકો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં જાય છે પંરતુ પાર્થ અને કૌશલ વિરુદ્ધમાં છેતરપિંડી અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાતી નથી. નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી.દેસાઇએ જણાવ્યું છે કે પાર્થ અને કૌશલ વિરુદ્ધમાં હજુ સુધી કોઇ ફરિયાદ કરવામાં
આવી નથી.

http://sambhaavnews.com/

You might also like