સુપ્રીમે વિશેષાધિકાર વાપરીને દંપતીના છૂટાછેડા મંજૂર કર્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પોતાના બંધારણીય વિશેષાધિકારનો ઉપયોગ કરીને એક દંપતીને તાત્કાલિક છૂટાછેડા માટેની મંજૂરી આપી દીધી છે. એક સીમાચિહ્ન ચુકાદામાં સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે અરજી કરનાર દંપતીને સમજૂતીની શક્યતા માટે આપવામાં આવતી છ મહિનાની મુદત (વેઈટિંગ પિરિયડ) સંબંધિત વૈધાનિક જોગવાઈને રદ કરીને દંપતીને તાત્કાલિક છૂટાછેડા માટે મંજૂરી આપી દીધી હતી.
છૂટાછેડા માટે અરજી કરનાર પતિ અને પત્ની બંને શિક્ષિત હતાં અને તેઓ પારસ્પારિક સમજૂતીથી છૂટાછેડા ઈચ્છતાં હતાં. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ અને ન્યાયમૂર્તિ રોહિગ્ટન ફલી નરિમનની બનેલી બેન્ચે બંધારણના અનુચ્છેદ ૧૪૨નો ઉપયોગ કરીને આ વૈધાનિક જોગવાઈ હેઠળ આપવામાં આવેલા વેઇટિંગ પિરિયડને રદ કર્યો હતો.
ડિવિઝન બેન્ચને એવું જણાવ્યું છે કે વેઇટિંગ પિરિયડ રદ કરવો એ અરજદાર પતિ-પત્ની બંને માટે યોગ્ય રહેશે, કારણ કે લગ્નના પ્રથમ િદવસથી બંને વચ્ચે અણબનાવ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે અરજદાર પતિ-પત્ની બંને શિક્ષિત છે અને કોઈ પણ જાતનાં દબાણ વગર અલગ થવાનો પારસ્પારિક સમજૂતીથી નિર્ણય કર્યો છે અને એટલા માટે તેઓ પોતાના નિર્ણયનાં પરિણામો અંગે સારી રીતે વાકેફ હશે.
આ કેસમાં અરજદાર પત્નીએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ લગ્ન જીવનના ખરાબ અનુભવોથી બચવા માટે ન્યૂયોર્ક જવા માટે અને ત્યાં તે પોતાના જીવનની નવી શરૂઆત સાથે નોકરીની શક્યતા પણ શોધશે. મહિલાના જણાવ્યા અનુસાર છ મહિનાની અંદર કે નજીકના ભવિષ્યમાં તેમના ભારત પરત આવવાની કોઈ પણ શક્યતા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને અરજદાર દંપતીને છૂટાછેડા માટે મંજૂરી આપી દીધી હતી.

You might also like