દેશમાં દરરોજ ૨૫૦૦ ખેડૂતો ખેતી છોડે છે

નવી દિલ્હી : ખેતીમા સતત થઈ રહેલી નુકસાનીને કારણે રોજ અઢી હજાર ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, એટલંુ જ નહિ દેશમાં ખેડૂતોની કોઈ એક પરિભાષા પણ નથી. સવાલ એ ઊઠે છે કે આવી રહેલા બજેટમાં સરકાર, ગામ, ખેતી અને ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે કઈ પહેલ કરશે. ઉતાર-ચઢાવ વચ્ચે કૃષિ વિકાસ દર વેગ પકડી શકતો જ નથી. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ ૨૦૧૨-‘૧૩માં કૃષિ વિકાસ દર ૧.૨ ટકા હતો.

જે ૨૦૧૩-‘૧૪માં વધીને ૩.૭ ટકા થયો હતો અને ૨૦૧૪-‘૧૫માં ફરી ઘટીને ૧.૧ ટકા થયો હતો. છેલ્લા અનેક વર્ષોથી વાવણીના ક્રમમાં ૧૮ ટકાનો ઘટાડો આવ્યો છે.નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે કૃષિ ક્ષેત્રની બદતર હાલતનો અંદાજ એ બાબત ઉપરથી આવે છે કે, છેલ્લા બે દાયકામાં મોટી સંખ્યામાં ખેડૂતો આપઘાત કરી ચૂકયા છે અને મોટાભાગની આત્મહત્યાનું કારણ દેવું છે. જે ચૂકવવા માટે ખેડૂત અસમર્થ છે. ૨૦૦૭થી ૨૦૧૨ વચ્ચે ૩.૨ કરોડ ગ્રામિણ ખાસ કરીને ખેડૂતો શહેરો તરફ પલાયન કરી ચૂકયા છે.

આમાંથી ઘણાં લોકો પોતાની જમીન અને ઘર વેચીને શહેરોમાં આવી ગયા છે.ચિંતક કે. એન. ગોવિંદાચાર્ય કહે છે કે ગામ અને ખેડૂતોની સ્થિતિ આજે ઘણી ખરાબ છે. પંચાયતી રાજ વ્યવસ્થાના આટલા વર્ષો વીત્યા છતાં ઘણાં લોકો ગામડાંથી પલાયન થઈ રહ્યા છે. ખેતી પ્રત્યે પ્રેમ ઘટી રહ્યો છે. ગામથી પલાયન થયા બાદ ખેડૂતો અને ખેત મજૂરોની સ્થિતિ એ છે કે, કોઈ હુન્નર ન હોવાને કારણે મોટાભાગના લોકો બાંધકામ ક્ષેત્રે મજૂરીમાં જોડાઈ જાય છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રોજ ૨૫૦૦ ખેડૂતો કૃષિ છોડી રહ્યા છે. મોટી સંખ્યામાં ગામડામાંથી લોકો પલાયન થઈ રહ્યા છે. જેમાથી મોટાભાગના ખેડૂતો છે. રાષ્ટ્રીય અપરાધ (ક્રાઈમ) રેકોર્ડ બ્યૂરોના ૫ વર્ષના આંકડા મુજબ ૨૦૦૯માં ૧૭૦૦૦, ૨૦૧૦માં ૧૫૦૦૦, ૨૦૧૧માં ૧૪૦૦૦, ૨૦૧૨માં ૧૩૦૦૦ અને ૨૦૧૩માં ૧૧૦૦૦ જેટલા ખેડૂતોએ કૃષિ સમસ્યાને કારણે આપઘાત કર્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, મ.પ્રદેશ, છત્ત્।ીસગઢમાં આપઘાતનો દર સૌથી વધુ રહ્યો છે.

દેશમાં ૬૪૦માંથી ૩૪૦ જિલ્લામાં વરસાદમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. માવઠા-હીમપાતને કારણે દર વર્ષે પાક બરબાદ થઈ રહ્યો છે. ઉત્પાદન ઘટતા ખેડૂતોની સ્થિતિ વણસી છે. ખેડૂતોની આવક ઘટી છે અને તેથી ખેડૂતો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની આવક રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે.

દેશ એક મોટા સંકટમાંથી પસાર થાય છે જયાં કોઈ ખેતી કરવા નથી ઈચ્છતું પણ ભોજન બધાને જોઈએ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આવતા દાયકામાં અન્નની જરૂરિયાત વધતા વૈકલ્પિક ખાદ્ય વસ્તુઓ જેમ કે ડેરી પ્રોડકટ, મત્સ્ય પોલ્ટ્રી ઉત્પાદનોના વિકલ્પ ઉપર વિચારવાની જરૂર છે.

You might also like