લંડનઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આગામી વર્ષે ૩૦ મેથી શરૂ થનારા આ ક્રિકેટના આ મહાકુંભ માટે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. કાઉન્ટ ડાઉનની શરૂઆત લંડન સ્થિત આર્ટિસ્ટ ગ્રૂપ કાલેબ ફેમીએ ક્રિકેટ વર્લ્ડકપ પર એક નોટ તૈયાર કરી છે, જેમાં આ વિશ્વકપને યાદગાર બનાવવા માટેનું વચન આપવામાં આવ્યું છે.
આઇસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કહ્યું કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં યોજાનાર આ વિશ્વકપ સૌથી અલગહશે, જેમાં દરેક ટીમને ઘર જેવો માહોલ મળશે. ૧૨મો ક્રિકેટ વિશ્વકપ ઈંગ્લેન્ડમાં આયોજિત થઈ રહ્યો છે. મેચનો કાર્યક્રમ અગાઉ જ જાહેર કરી દેવામાં આવ્યો છે.
આ વિશ્વકપમાં પ્રથમ મુકાબલો ૩૦ મેએ યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે. આ મેચ કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમાશે. ક્રિકેટ વિશ્વકપની શરૂઆત ૧૯૭૫થી થઈ હતી. પહેલા ત્રણ વિશ્વકપની યજમાની ઈંગ્લેન્ડે કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૧૧ વિશ્વકપ રમાઈ ચૂક્યા છે.