આ વર્ષે દિવાળીમાં સોનાની ખરીદી કરવી પડશે મોંઘી?

અમદાવાદ: ચાલુ વર્ષની દિવાળી સુધીમાં સોનાનાે ભાવ રૂ. ૩૪,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રૂપિયામાં નરમાઇ અને જિયો પોલિટિકલ ટેન્શનના પગલે વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.

નોંધનીય છે કે હાલ સ્થાનિક બજારમાં સોનું ૩૨,૦૦૦ની સપાટીની આસપાસ જોવા મળી રહ્યું છે. પાછલા એક જ સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ. ૪૦૦થી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે એટલું જ નહીં, વૈશ્વિક બજારમાં સોનું હાલ ૧,૩૦૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં સોનામાં ૪.૩૭ ટકાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

કોમટ્રેન્ડ રિસ્ક મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં સોનું ૧૨૬૦થી ૧૪૦૦ ડોલર પ્રતિઔંસની સપાટીની વચ્ચે જોવા મળી શકે છે. એ જ પ્રમાણે સ્થાનિક બજારમાં દિવાળી સુધીમાં સોનું ૩૪,૦૦૦ની સપાટીએ જોવા મળી શકે છે. આરબીઆઇએ વ્યાજદરમાં વધારો કર્યો છે, જે સોના-ચાંદી જેવી કીમતી ધાતુની ખરીદીને પ્રોત્સાહન પૂરું પાડશે.
કોમોડિટી એન્ડ કરન્સીનાં મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ રાઠીએ જણાવ્યું કે સોનાનો લોન્ગ ટર્મ ચાર્ટ તેજીની ચાલ દર્શાવી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે ૧૨૦૦થી ૧૩૫૦ ડોલર પ્રતિઔંસની સપાટીની વચ્ચે સોનું કારોબારમાં જોવા મળી શકે છે. રાઠીના જણાવ્યા પ્રમાણે જિયો પોલિટિકલ ટેન્શન, ફુગાવાનો ઊંચો દર અને રૂપિયાની નરમાઇ સોનાના ભાવને વધારવામાં ટેકો પૂરો પાડશે.
સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ વખતે સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળે તેવી શક્યતા છે. રૂપિયાની નરમાઇ તથા ખરીદીના વૈશ્વિક બજારમાં સુધારાની ચાલના પગલે સોનામાં અપ ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતા છે.

એક વર્ષમાં ૧૦ ટકા ભાવ વધી ચૂક્યા છે
સોનાના ભાવમાં છેલ્લા બે-ચાર મહિનાથી અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જિયો પોલિટિકલ ટેન્શન, રૂપિયાની નરમાઇ તથા શેરબજારમાં જોવા મળેલી ઘટાડાની ચાલના પગલે સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું છે અને તેના પગલે છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં ૧૦ ટકાનો વધારો જોવાઇ ચૂક્યો છે. પાછલા વર્ષે આ જ સમયગાળામાં સોનાનો ભાવ રૂ. ૨૯ હજારની આસપાસ હતો તે વધીને આ વર્ષે ૩૨,૧૦૦ની સપાટીએ પહોંચી ગયો છે. સેન્ટિમેન્ટ જોતાં હજુ પણ ભાવમાં વધારાની ચાલ જોવા મળી શકે છે.

You might also like