કોર્પોરેશનને લાંભાના રસ્તાનો ‘ભૂવો’ રૂ.૩ર લાખમાં પડ્યો!

728_90

અમદાવાદ: ભૂવાનગરીની ઓળખ સમા અમદાવાદમાં કોર્પોરેશનની બેદરકારીના પગલે ગમે ત્યારે ગમે તે રસ્તો બેસી જાય છે. તંત્રને ભૂવાના રિપેરિંગ પાછળ દર વર્ષે મ્યુનિ. તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તાજેતરમાં કોર્પોરેશનને લાંભામાં રસ્તા પરના ભૂવાને રિપેર કરવા પાછળ રૂ.૩ર લાખનો અધધ ખર્ચ કરવો પડ્યો હતો.

દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ગોકુળનગરથી મોતીપુરા ચોકઠા થઇ ડ્રેનેજ પંપિગ સ્ટેશન તરફ જતા રસ્તા પરની ૬૦૦ મી.મી. વ્યાસની ડ્રેનેજ લાઇન અચાનક બેસી ગઇ હતી. આ ડ્રેનેજ લાઇન ઉપર આશરે ૩ર ફૂટ ઊંડા મેનહોલમાં બ્રેકડાઉન થયું હતું. ડ્રેનેજ લાઇનને ચાલુ કરીને બ્રેકડાઉન થયેલા મેનહોલને નવું બનાવવા માટે સત્તાવાળાઓએ રૂ.૩ર લાખનાં કોટેશન આધારિત કામગીરી કરી હતી.

દરમિયાન રાણીપમાં બસ સ્ટેશન સામેના પ્લોટમાં ૬૦ લાખ લિટર ક્ષમતાનાં પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવાના સિવિલ કામના રૂ.ર.૧૪ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. ઉપરાંત મકતમપુરા વોર્ડમાં એપીએમસસી માર્કેટની બાજુમાં અલ મુકામ પાસે ટીપી નં.૮૩ ફાઇનલ પ્લોટ નં.૧૮૬ના પ્લોટમાં ર૧.૪ર લાખ ગેલનની પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવાનાં સિવિલ કામનાં રૂ.૩.૬ર કરોડનાં ટેન્ડરને તંત્રની લીલીઝંડી મળી છે.

મમતપુરા ગામમાં નવા બનેલ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનનાં નવાં નાખવાનાં થતાં ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કનાં કામનાં રૂ.પ૩.પપ લાખનાં ટેન્ડરને પણ બહાલી અપાઇ છે. ઇસનપુરના નવા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન માટેના આવા જ પ્રકારના કામ માટે રૂ.૩૭.૯૩ લાખનાં ટેન્ડરને પણ મંજૂરી મળી છે. આજે સાંજે મળનારી વોટર સપ્લાય કમિટી સમક્ષ આ તમામ કામોને મંજૂરી માટે મુકાયા છે.

You might also like
728_90