એક પછી એક ૧૨ વ્યાજખોરના ચક્કરમાં ફસાયેલો કોન્ટ્રાક્ટર ઘર છોડી ફરાર

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલો એક કોન્ટ્રાક્ટર તેની પત્ની અને બે બાળકોને મૂકીને નાસી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ અમનચોકમાં રહેતી ૩૦ વર્ષીય હલીમાબાનુ શાહે ર‌િખયાલ પોલીસ સ્ટેશનમાં ૧૨ વ્યાજખોર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે હલીમાબાનુનો પતિ મોહંમદ ઇસ્માઇલ કલર કોન્ટ્રાક્ટર છે. છેલ્લા ઘણા સમયથી મોહંમદ ઇસ્માઇલને ધંધામાં નુકસાન થતું હોવાથી તેણે કારીગરોને રૂપિયા ચૂકવવા માટે વ્યાજખોરો પાસેથી ઊંચાં વ્યાજે રૂપિયા લીધા હતા. મોહંમદ ઇસ્માઇલને એક પછી એક નુકસાન આવતાં તે વ્યાજખોરોને પણ સમયસર વ્યાજ આપી શક્યો નહીં.

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા મોહંમદ ઇસ્માઇલે અન્ય લોકો પાસેથી પણ ઊંચા દરે વ્યાજ પર રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું. એક વ્યાજખોરનો હપ્તો પૂરો કરવા માટે બીજા વ્યાજખોર પાસેથી વ્યાજ પર રૂપિયા લેતો હતો. આમ કરતાં કરતાં મોહંમદ ઇસ્માઇલ ૧૨ વ્યાજખોરોને દસ ટકા વ્યાજ ભરતો થઇ ગયો હતો. સમયસર વ્યાજ નહીં ભરી શકતાં વ્યાજખોરો તેને મારી નાખવાની ધમકી આપતા હતા.

બે દિવસ પહેલાં મોહંમદ ઇસ્માઇલ તેના બે પુત્રો સાથે રમતો હતો ત્યારે તે અચાનક રડી પડ્યો હતો, જેને જોઇને હલીમાબાનુએ રડવાનું કારણ પૂછ્યું હતું. મોહંમદ ઇસ્માઇલે જણાવ્યું હતું કે મારા ઉપર ખૂબ દેવું થઇ ગયેલ છે, જેથી હું હવે જીવી શકું એમ નથી, જેથી હું ક્યાંક જતો રહું છું…આ વ્યાજખોરો મને જીવવા દેશે નહીં અને મારી નાખશે.

બે દિવસ પહેલાં મોહંમદ ઇસ્માઇલ બપોરે જમીને ક્યાંક જતો રહ્યો હતો જે આજ‌િદન સુધી પરત નહીં આવતાં ગઇ કાલે હલીમાબાનુએ ૧૨ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

ર‌ખિયાલ પોલીસે ઊંચા દરે વ્યાજ વસૂલતા સિરાજ શેખ, ઇમરાન (ગબ્બર), ખાલીદ બુટવાલા, ઇરફાન બેટરીવાલા, કાદીર, શેરમોહંમદ, ઇકબાલ, જાવેદ, મનીષ, ઇરફાન મેઉ, બબલુ અને આનંદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હાલ મોહંમદ ઇસ્માઇલ ક્યાં છે તે શોધવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like