કોન્ટ્રાક્ટર પાન પાર્લરમાં ગયા અને કારમાંથી કોઈ એક લાખ ચોરી ગયું

શહેરમાં કારના કાચ તોડી કીમતી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. ગઇ કાલે આનંદનગર વિસ્તારમાં તસ્કરો પાર્ક કરેલી કારનાે કાચ તોડી એક લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા છે. નવાઇની વાત એ છે કે બિલ્ડિંગ કોન્ટ્રાકટર સીમા હોલ પાસે આવેલ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં કાર પાર્ક કરી પાન-મસાલો ખાવા ગયો હતો તે દરમિયાન તસ્કરો ચોરી કરીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાના પગલે આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તજવીજ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલડી વિસ્તારમાં આવેલ પદ્માવતી ફ્લેટમાં રહેતા અને બિ‌િલ્ડંગ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા જિજ્ઞેશ શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.

જિજ્ઞેશ શાહ ગઈ કાલે સાંજે આનંદનગર રોડ પર આવેલ સીમા હોલ બહાર પોતાની આઈ-૧૦ કાર પાર્ક કરીને સામે આવેલ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં આવેલ નવરંગ પાન પાર્લર પર પાન-મસાલો ખાવા માટે ગયા હતા. જિજ્ઞેશભાઇએ પાન-મસાલાે ખાઈને પરત ગાડી પાસે આવીને જોયું તો ગાડીનો કાચ તૂટેલો હતો. અજાણ્યા શખ્સો કારનો કાચ તોડીને તેમની બેગમાં રોકડા રૂ. એક લાખ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સહિતની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ આ બાબતે આનંદનગર પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આનંદનગર પોલીસે જિજ્ઞેશ શાહની ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવીની ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ વસ્ત્રાપુર-સોલામાં ચોર ટોળકીએ એક જ રાતમાં ૪ ગાડીના કાચ તોડી ૧ લાખની કિંમતની ૪ ટેપ ચોરી ગયા હતા.

You might also like