1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ કમિટીની ગુજરાતમાં બેઠક યોજાઇ રહી છે. શાહીબાગના સરદાર પટેલ સ્મૃતિભવન ખાતે આગામી તા.ર૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરાવ્યું હોઇ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેની તડામાર તૈયારીઓ થઇ રહી છે.

પક્ષની ભાવિ નીતિ રીતિ ઘડવા માટે મહત્વપૂર્ણ ગણાતી વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાશે. આ વર્કિંગ કમિટીની બેઠકમાં પક્ષના તમામ ટોચના રાષ્ટ્રીય નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો.મનમોહન સિંધ, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધિયા, અહેમદ પટેલ વગેરે જોડાશે. સવારે દશ વાગ્યે શાહીબાગ સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે.

શાહીબાગ ખાતે વર્કિંગ કમિટીની બેઠક બાદ આ તમામ મહાનુભાવો અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જંગી જાહેરસભાને એક મંચ પરથી સંબોધશે. ત્રિમંદિર ખાતે બપોરે બે વાગ્યે યોજાનારી આ જાહેરસભામાં કોંગ્રેસ દ્વારા મુખ્યત્વે ખેડૂતો, મહિલાઓ અને યુવાઓના પ્રશ્નોને ઉઠાવાશે.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીશ દોશીએ એવો દાવો કર્યો છે કે ત્રિમંદિરની જંગી જાહેરસભામાં રાજ્યના ખૂણે ખૂણેથી આશરે પાંચ લાખ લોકો કોંગેસના સર્વોચ્ચ નેતૃત્વને એકમંચ પરથી સાંભળવા ઊમટી પડશે.

You might also like