બિનવારસી લાશને દફન કરવાનાં કૌભાંડમાં તપાસ કમિટીની રચના

અમદાવાદ: શાહીબાગના મુસા સુહાગ કબ્રસ્તાનમાં બિનવારસી હિન્દુની લાશ દફનાવવાનાં કૌભાડમાં સિવિલ હૉસ્પિટલે તપાસ કમિટીની રચના કરી છે. કમિટીએ કોન્ટ્રાક્ટર ગોપાલ સોલંકીને નોટિસ ઇશ્યૂ કરીને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો છે. આજે સિવિલ હોસ્પિલટના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ.એમ.પ્રભાકર તથા પોલીસ સર્જન ડો. મહેશ કાપડિયા ગોપાલની પૂછપરછ કરશે અને જો કૌભાંડમાં તેની ભૂમિકા સાબિત થશે તો તેનો કોન્ટ્રાક્ટ પણ રદ થાય તેવી શક્યતાઓ છે.

મુસા સુહાગ કબ્રસ્તાનમાં બિનવારસી હિન્દુ લાશ દફનાવવાનાં કૌભાંડમાં સિવિલ હૉસ્પિટલના કોન્ટ્રાક્ટર ગોપાલ સોલંકી અને મુસા સુહાગ કબ્રસ્તાનના કર્મચારી હસન શેખ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. કબ્રસ્તાનમાં દર વર્ષે 40થી 50 બિનવારસી મુસ્લિમના મૃતદેહ દફન કરાતા હતા ત્યાં ચાલુ વર્ષે દોઢ માસમાં 23 લાશની દફનવિધિ કરાતાં વકફ કમિટિને કૌભાંડ ચાલતું હોવાનું શંકા ગઇ હતી.

સિવિલમાં બિનવારસી મૃતદેહોનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા ગોપાલ સોલંકીએ જે બિનવારસી મુસ્લિમોની લાશ આપી હતી તેની દફનવિધિ હસન અહેમદ હસન શેખે કરી હતી. એક બિનવારસી લાશ દફન કરવા પાછળ રૂ. 3700નો ખર્ચ થતો હોવાથી વર્ષ 2015માં 40 બિનવારસી લાશ દફન કરાઈ હતી, જે પેટે રૂ. 1.50 લાખ ખર્ચ થયો હતો જ્યારે આ વર્ષે એપ્રિલ અને મે, બે મહિનામાં 23 લાશ લવાઈ હતી. સિવિલમાં મૃતદેહોને નવડાવવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી કબ્રસ્તાનમાં લવાયા બાદ નવડાવીને દફનવિધિ કરાતી હતી જ્યારે શુક્રવારે જે ચારેય મૃતદેહ લવાયા તેમને સિવિલમાં નવડાવીને લાવ્યા હોવાનું હસને કહેતાં શંકા પ્રબળ બની હતી.

વકફ કમિટીના સંચાલકોએ તપાસ કરતાં બિનવારસી 4 લાશ પૈકી ત્રણ લાશ હિન્દુની હોવાનું સામે આવ્યું હતું. જેથી હસન તથા .ગોપાલની સાઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઘટનાના પર્દાફાશ પછી સિવિલ હોસ્પિટલમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના પોલીસ સર્જન ડો. મહેશ કાપડિયાએ જણાવ્યું છેકે હિન્દુ લાશને દફનવિધિ માટે મોકલવાના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી ડો. એમ.એમ.પ્રભાકરે તપાસ કમિટી બનાવી છે. જેમાં કોન્ટ્રાક્ટર ગોપાલને નોટિસ આપવામાં આવી છે. અને તેની આજે પૂછપરછ કરવામાં આવશે. જો કૌભાંડમાં તેનો રોલ સામે આવશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને આવનારા દિવસમાં આવું ના થાય તે માટે નિર્ણય લેવામાં આવશે.

You might also like