રેલવે સ્ટેશન અને ટ્રેનમાં હવે ફરીથી માટીની કૂલડી, ગ્લાસ અને પ્લેટ મળશે

નવી દિલ્હી: રેલવે સ્ટેશન અને ટ્રેનમાં હવે ફરીથી એક વખત માટીની કૂલડી, ગ્લાસ અને પ્લેટ જોવા મળશે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે માટીનાં વાસણો જેવાં કે કૂલડી, ગ્લાસ અને પ્લેટનો ઉપયોગ ફરી શરૂ કરવાના આદેશ જારી કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે આજથી ૧૫વર્ષ પહેલાં રેલવે સ્ટેશનો પર કૂલડીનો ઉપયોગ શરૂ કર્યો હતો. સમય વીતતા નબળા પ્રતિસાદના કારણે તે બંધ કરવામાં આવ્યો હતો અને કૂલડીનું સ્થાન પ્લાસ્ટિક અને પેપરના કપે લઈ લીધું હતું.

ઉત્તર રેલવે અને ઉત્તર-પૂર્વ રેલવેના ચીફ કોમર્શિયલ મેનેજર્સને રેલવે બોર્ડ તરફથી જારી કરવામાં આવેલા એક સર્ક્યુલર અનુસાર રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પ્રાયોગિક ધોરણે વારાણસી અને રાયબરેલી સ્ટેશનો પર ખાણીપીણીનો પ્રબંધ કરનારી એજન્સીઓને ટેરાકોટા અથવા તો માટીમાંથી બનેલી કૂલડી, ગ્લાસ અને પ્લેટનો જ ઉપયોગ કરવાના આદેશો આપ્યા છે.
પીયૂષ ગોયલે એક ટ્વિટ કરીને જણાવ્યું કે, હવે ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને રેલવે સ્ટેશન પર અને ટ્રેનની અંદર ફરીથી માટીમાંથી બનાવવામાં આવેલા કૂલડી, ગ્લાસ વગેરેમાં ચા, લસ્સી સહિતના પીણાં અને પ્લેટમાં ખાવાની ચીજવસ્તુ પીરસવામાં આવશે. આ નિર્ણયથી દેશના ઘરેલુ ઉદ્યોગને મદદ મળશે અને કુંભારોને આર્થિક રીતે ફાયદો પણ થશે. આ ઉપરાંત સૌથી મોટો ફાયદો પર્યાવરણની સુરક્ષાનો થશે, લોકોનાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવાં પ્લાસ્ટિક જેવાં કોઈ તત્વનો ઉપયોગ હવે કરવામાં આવશે નહીં.
સર્ક્યુલર અનુસાર, ઝોનલ રેલવે અને આઈઆરસીટીસીને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તાત્કાલિક અસરથી જ વારાણસી અને રાયબરેલી રેલવે સ્ટેશન હેઠળ આવતી તમામ દુકાનો-રેસ્ટોરાંમાં યાત્રીઓને ભોજન કે પીણાં પીરસવા માટે સ્થાનિક સ્તરે બનેલા, પર્યાવરણને અનુકુળ એવા ટેરાકોટા કે પાકી માટીની કૂલડી, ગ્લાસ અને પ્લેટનો ઉપયોગ જ કરવામાં આવે. આ તમામ ચીજવસ્તુઓ સ્થાનિક કુંભાર પાસેથી જ ખરીદવાની રહેશે. વારાણસી અને રાયબરેલી બાદ આ પ્રયોગ દેશના અન્ય રેલવે સ્ટેશન અને તમામ ટ્રેનમાં પણ કરવામાં આવશે.
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ વી.કે. સક્સેના ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં માટીનાં વાસણોના પ્રયોગનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. તેમણે રેલવે પ્રધાન ગોયલને પત્ર લખીને સૂચન આપ્યું હતું કે, આ નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. સક્સેનાએ જણાવ્યું કે, માટીના કૂલડી સહિતનાં વાસણોના ઉપયોગથી ભારતની સદીઓ જૂની પરંપરા જીવિત રાખી શકાશે અને અનેક લોકોને રોજગારી પણ મળશે.

You might also like