શહેરને પાર્કિંગ-સ્વચ્છતાના પાઠ ભણાવતું મ્યુનિ. તંત્ર પોતાનું ઘર ક્યારે ઠીક કરશે?

અમદાવાદ: સામાન્ય રીતે એવું કહેવાય છે કે ‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ એટલે કે કોઇ પણ સારું કામ કે સારી શિખામણને સૌથી પહેલાં પોતાના પર અમલમાં મૂકવાની જરૂર છે, પરંતુ જે પ્રકારે મ્યુનિસિપલ સત્તાવાળાઓનાં વર્તન અને વ્યવહાર છે તેને જોતાં અવશ્યપણે એમ લાગે છે કે શહેરને સ્વચ્છતા અને પાર્કિંગના પાઠ ભણાવનાર તંત્ર પોતાનું ઘર ઠીક કરવામાં માનતું નથી, કેમ કે ખમાસા-દાણાપીઠ ખાતેના મ્યુનિસિપલ મુખ્યાલય પરિસરમાં જ કાયમી ગંદકી તેમજ પાર્કિંગના નામે અરાજકતા ફેલાયેલી જોવા મળે છે.

મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા અવારનવાર જીપીએમસી એકટની વિવિધ કલમનો આશરો લઇને ‘સ્વચ્છ અમદાવાદ’ ઝુંબેશ હાથ ધરાય છે. તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૧૮માં અમદાવાદ સ્વચ્છતાના મામલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યું હોઇ તંત્ર શહેરીજનો પાસેથી સ્વચ્છતાનો આગ્રહ રાખે તે દેખીતી બાબત છે.

સ્વચ્છતાના આગ્રહી સત્તાધીશો મચ્છરજન્ય રોગચાળાને નાથવા શહેરભરમાં દરોડા પાડીને મચ્છરોના પોરા મળી આવતાં જે તે જાણીતી સંસ્થા, શાળા વગેરેને નોટિસ ફટકારીને આકરો દંડ વસૂલે છે. રસ્તા પર પાણી ઢોળીને ગંદકી ફેલાવવાના મામલે પણ તંત્ર કડક પગલાં લે છે.

આ તમામ બાબત આવકારદાયક છે તેમ છતાં મ્યુનિસિપલ મુખ્યાલયમાં ખાનગી કોન્ટ્રાક્ટરને સફાઇના કોન્ટ્રાક્ટ માટે લાખો રૂપિયા અપાતા હોવા છતાં આંખે ઊડીને વળગે તેવી સ્વચ્છતા દેખાતી નથી.

કોર્પોરેટ લુક ધરાવતા ‘સી’ બ્લોકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર, હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનરોની ઓફિસ હોવા છતાં કુલ છ માળ પૈકી એક પણ માળનાં ટોઇલેટ સારી હાલતમાં નથી કાં તો લીકેજ છે અથવા તો વોશ બે‌િસનમાં પાનની પિચકારીથી ખરડાયેલી હોય છે.

મચ્છરોનાે ત્રાસ ‘સી’ બ્લોકમાં પણ ફેલાયો છે. મધ્ય ઝોનના આસિસ્ટન્ટ કમિશનર તથા હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ, ટેકસ, ઇજનેર વિભાગ સહિતના વિભાગના વડાની ઓફિસ ધરાવતા ‘બી’ બ્લોકની પાછળના હિસ્સામાં કાયમી ગંદકી જોવા મળે છે.

ખુલ્લામાં કેબલ તેમજ ડ્રેનેજ પાઇપમાં લીકેજથી ટપકતા પાણીના કારણે તંત્રને આ સ્થળે પણ મચ્છરોના પોરા મળી શકે છે, પરંતુ આ મામલે કોણ કોને દંડ કરે તેવો પ્રશ્ન ઊઠે છે તેમ જણાવતાં સામા‌િજક કાર્યકર જોહર વોરા જણાવતાં વધુમાં કહે છે કે પ્રજાને સફાઇ માટે દંડનાર તંત્ર આ પરિસ્થિતિ માટે ક્યારે કાર્યવાહી કરશે.

બીજી તરફ ટ્રાફિક મામલે શહેરભરમાં ઝુંબેશ ચલાવનાર સત્તાવાળાઓ ઘરઆંગણે એટલે કે મ્યુનિસિપલ મુખ્યાલયમાં લાંબા સમયથી વકરેલ ટ્રાફિક અરાજકતા સામે સિફતપૂર્વક આંખ આડા કાન કરી રહ્યા છે. મ્યુનિસિપલ મુખ્યાલયની ગેટની બહાર હંમેશાં ખાનગી વાહનોનું દબાણ જોવા મળે છે.

કમ્પાઉન્ડ વોલની બહાર સાંજ ઢળતાંની સાથે જ માલિશવાળાના અડ્ડા જામે છે. મુખ્યાલયનાં ભોંયરામાં પણ સ્ટાફનાં વાહન પાર્ક થતાં નથી. તેના બદલે અનેક વખત ખાનગી વાહનો જોવા મળે છે. ભોંયરામાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં કોર્પોરેટરો ભાગ્યે જ પોતાનાં વાહનને ત્યાં પાર્ક કરે છે. ભોંયરાનું પાર્કિંગ પણ ગંદુ-ગોબરું છે.

સિક્યોરિટી અને પોલીસની કેબિન સામેના રોડ પર મ્યુનિસિપલ બોર્ડ બેઠક, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જેવી મહત્ત્વપૂર્ણ બેઠકના દિવસોએ રીતસરની ટ્રાફિક અરાજકતા સર્જાય છે. હવે મોટા ભાગના કોર્પોરેટર પોતાની ગાડી લઇને આવતા થયા હોઈ આ દિવસોમાં મેયર કે કમિશનરની ગાડી પણ બહાર નીકળવા માટે ફાંફે ચડે છે.

બીજી તરફ મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા કે વિરોધ પક્ષના નેતા સ્વપક્ષના કોર્પોરેટરોને મહત્ત્વના દિવસોમાં મુખ્યાલયમાં ગાડીના બદલે ટુ-વ્હીલર પર આવવાની સૂચના આપતા નથી. પરિણામે ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતા ફાયર બ્રિગેડના વોલ‌િન્ટયર્સની દશા પણ કફોડી બને છે.

દરમ્યાન આ અંગે મધ્ય ઝોનના આસિસ્ટન્ટ કમિશનર સૌરભ પટેલને પૂછતાં તેઓ કહે છે કે ભોંયરામાં સેન્ટ્રલ ઓફિસની ગાડી પાર્ક કરાય છે જ્યારે બી બ્લોક પાછળની ગંદકીને પણ સત્ત્વરે દૂર કરાશે.

You might also like