બાળકને શાકભાજી અને ટ્રેડિશનલ ફૂડ ખાતાં કરો

આજકાલની મમ્મીઓ તેમનું બાળક વ્યવસ્થિત જમતું ન હોવાને લીધે પરેશાન રહે છે. બાળકો જંકફૂડ કે પેકેટ ફૂડ તરફ વળી ગયાં છે. બાળક પાંચ-સાત વર્ષનું થાય ત્યાં સુધી મમ્મીઓ તેની પાછળ જમવાનું લઇને ફરતી હોય છે. જ્યારે બાળક રોટલી-દાળભાત, શાક જેવું આપણું ટ્રેડિશનલ ફૂડ ખાવામાં આનાકાની કરે છે ત્યારે બાળક ભૂખ્યું રહી જશે તે ડરથી આપણે તેના હાથમાં કંઈ પણ આપીએ છીએ.

બાળક ભલે ભૂખ્યું રહે પરંતુ હાથમાં પેકેટ આપીને કે ગમે તે ખવડાવીને તેની આદત ન બગાડો. બાળકોને આદતો પરિવારજનો પાસેથી વારસામાં મળતી હોય છે. તમે અને તમારા પરિવારજનો જે ખાઇ-પી રહ્યા હશો તે જોઇને બાળક શીખશે. જો તમે શાકભાજી નહીં ખાતા હોવ તો તમારું બાળક પણ તેનાથી દૂર ભાગશે. બાળકને સારી ટેવ પાડવા માટે પહેલાં આપણે આપણી ટેવો બદલવી પડશે.

આ અંગે વાત કરતા પીડિયાટ્રિશિયન ડૉ. જે.પી. વ્યાસ કહે છે કે, “સામાન્ય રીતે બાળક છ મહિનાનું થાય અને તે માતાના દૂધ ઉપરનો ખોરાક લેતું થાય ત્યારે જ ટ્રેડિશનલ ફૂડ આપવાની શરૂઆત કરીને તેનો ટેસ્ટ ડેવલપ કરો. તો તે બાળકને મોટા થઇને બધું જ જમતા વાર નહીં લાગે. તેને પહેલેથી જ બાફેલા કે ક્રશ કરેલા શાકભાજી આપીશું તો તેને શાકભાજી ભાવશે. વળી બાળકોને ધાકધમકીથી ખવડાવવાના બદલે તેને પ્રેમથી શાકભાજીના ફાયદા સમજાવો. શું વસ્તુ સારી અને શું ખરાબ તે બાળકને સમજાવવું જરૂરી છે.”

જો બાળક ખાવામાં નખરાં કરે છે તો તેનું એક કારણ તમે પણ છો. કદાચ તમે તેને સારી આદત પાડી શક્યા નથી અને તેથી તે થોડું ચૂઝી બની ગયું છે. ડૉ વ્યાસ કહે છે કે,” બાળકને જમવા માટે ફોર્સ ન કરો. આટલું તો જમવું જ પડશે. તે વાત તમને ગમી શકે, પરંતુ તેનાથી બાળક પ્રેશર અનુભવશે. ભાળક ભલે થોડું ખાય તેની ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી તરફ ધ્યાન આપો. બહારનાં પેકેટ ખાવાના બદલે બાળક જો રોટલીના બે ટુકડા ખાશે તો પણ સારું છે.

બાળકને જમાડતી વખતે ધીરજ રાખો. તેને રોજ રોટલી, શાક, દાળભાત ખવડાવવાની આદત પાડતા જશો તો તે ધીમેધીમે જમતાં શીખી જશે. કેટલીક માતાઓ બાળકોને દૂધ પિવડાવીને જ પેટ ભરાવી દે છે. વધુ દૂધ પીતાં બાળકો જમી શકતાં નથી. તેમને કેલ્શિયમ મળે છે, પરંતુ વિટામિન્સ અને મિનરલ્સ મળતાં નથી. યાદ રાખો, ૧૦ વર્ષ સુધીના બાળક માટે રોજનું ૩૦૦ ગ્રામ દૂધ જરૂરી છે, તેથી વધુ દૂધ નુકસાનકારક છે.

ટ્રિક્સ
સ્ટફ પરાઠા, ફ્રેન્કી, પાસ્તા, પિત્ઝા કે સૅન્ડવિચમાં વધારે વેજિટેબલ્સ નાખીને ખવડાવો. ભોજનમાં શાકભાજી અવશ્ય સામેલ કરો. સૂપ બનાવીને પીવડાવો. તમે તેની સાથે જમવા બેસો. સૂપ-સલાડ તમે પણ લો જેથી બાળકને પણ આદત પડે.

શાકભાજી કેમ જરૂરી?
શાકભાજીમાંથી મળતાં ફાઇબર ખોરાકના પાચન માટે ખૂબ જરૂરી છે. જો ફાઇબર્સ શરીરમાં ન હોય તો શરીરમાં ફેટ જમા થાય છે અને બાળકને મેદસ્વી બનતા વાર લાગતી નથી. ફાઇબર્સના લીધે કબજિયાત, ગેસ, એસિડિટી, અપચો થતો નથી. બાળક લાઇટ ફિલ કરે છે અને એક્ટિવ રહે છે. ફાઇબર્સ લોહી શુદ્ધ કરે છે અને બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ કરે છે. શાકભાજીમાંથી મળતા વિટામિન આંખો, સ્કિન અને વાળ માટે ઉપયોગી છે તેમજ તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

ભૂમિકા ત્રિવેદી

You might also like