દેશમાં સસ્તો શ્રમ એ એક ભ્રમણા ગણી શકાય

મુંબઇ: ઉદ્યોગજગતના અગ્રણી સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે ભારતમાં સસ્તો શ્રમ એ એક ભ્રમણા છે, તેના કારણે સ્થાનિક ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે વ્યાજના દરમાં તથા માલ પરિવહન ખર્ચમાં ઘટાડો કરવાની જરૂરિયાત છે. દેશમાં નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઊંચા વીજળીબિલ બાદ ઊંચો વ્યાજદર ભારતીય ઉદ્યોગની પ્રતિસ્પર્ધા સામે અવરોધ ઊભો કરે છે. એસોચેમે જણાવ્યું કે આપણે સસ્તા શ્રમની વાત કરીએ છીએ, પરંતુ આ સત્ય નથી. શ્રમિકની ઉત્પાદકતા બહુ ઓછી છે. વિદેશોમાં કોઇ કામ માટે જ્યાં એક માણસની જરૂરિયાત છે ત્યાં આપણા દેશમાં તે જ કામ એકથી વધારે લોકો કરતા હોય છે.

એસોચેમે વધુમાં જણાવ્યું કે કારોબારની સરળતાના મામલે દેશમાં કેટલીય મુશ્કેલીઓ છે, જેમાં વ્યાજદર અને પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુખ્ય મુશ્કેલી છે. બેન્કો પર નોન પર્ફોર્મિંગ એસેટનો ઊંચો બોજો છે તેમાં ઘટાડો કરવાની જરૂરિયાત છે. તેમણે વધુમાં જણાવ્યું કે વ્યાજના દરને ઝડપથી ઘટાડવા જોઇએ. આરબીઆઇ આ દિશામાં કામ કરશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

http://sambhaavnews.com/

You might also like