અકસ્માત જોવા કાર ઊભી રાખી ને પાછળ આવતી કાર એકબીજા સાથે અથડાઈ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઇવે પર ગઈકાલે રાત્રે ઇસ્કોન બ્રિજ પાસે બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આજે સવારે આ જગ્યાએ કાર ચાલક અકસ્માત જોવા ઉભો રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલી ગાડીઓ પણ ધડાધડ એકબીજા સાથે અથડાઈ હતી જેમાં ચાર કારનો અકસ્માત સર્જાયો હતો. આજ સમયે જ એસ.જી. હાઇવે પર એક કારમાં આગ લાગી ગઈ હતી, જોકે, આ બનાવમાં કોઈને ઈજા નથી પહોંચી.

અકસ્માતમાં બે કારને વધારે નુકસાન થયું છે. સ્વિફ્ટ, ઇનોવા, સેન્ટ્રો અને વેગનાર કાર એકપછી એક અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને એકઠી થયેલી ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેને જોવા માટે MLA ગુજરાત લખેલી ગાડી ઉભી રહી હતી. એજ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ગાડીઓ એકબીજાને અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

એસ.જી હાઇવે પર એક કાર સળગી ગઈ હતી. આ કાર રસ્તા પર દોડી રહી હતી ત્યારે તેના બોનેટમાં આગ લાગી હતી. કારના ડ્રાઇવરે કારને પાર્ક કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે એક રાહદારીએ પોતાની કારમાંથી ફાયર કિટથી આગને કાબૂમાં મેળવી લીધી હતી,આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો પણ દોડી આવ્યા હતા.

You might also like