કારમાં બ્લેક ફિલ્મ લગાવનાર એસેસરીઝ શોપ સામે પણ હવે થશે કાર્યવાહી

અમદાવાદ: ટ્રાફિક અને આડેધડ પાર્કિંગના મુદ્દે હાઇકોર્ટે પોલીસને લગાવેલી ફટકાર બાદ વાહનચાલકો વિરુદ્ધમાં પગલાં લેવા મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે.

ટ્રાફિક પોલીસે થોડાક દિવસ પહેલાં કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી, જ્યારે બે દિવસ પહેલાં દારૂ પીધેલા લોકોને પકડવા માટે ડ્રિંક એન્ડ ડ્રાઇવ રાખી હતી.

ત્યારે હવે કાર પર બ્લેક ફિલ્મ લગાવનાર કાર એસેસરીઝના માલિકો વિરુદ્ધમાં પોલીસ લાલ આંખ કરશે. શહેરમાં ૫૦૦ કરતાં વધુ કાર એસેસરીઝના માલિકોને પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ નહીં લગાવવા મામલે નોટિસ ફટકારવામાં આવશે.

શહેરના મીરજાપુર, મીઠાખળી અને જજીસ બંગલો રોડ પર કાર એસેસરીઝનું હબ ગણવામાં આવે છે. જ્યાં ૫૦૦ કરતાં વધુ શોપ આવેલી છે. તમામ શોપમાં બ્લેક ફિલ્મ લગાવવાની કામગીરી થાય છે, ટ્રાફિક ડીસીપી સંજય ખરાતે જણાવ્યું છે કે શહેરમાં બ્લેક ફિલ્મ લગાવી આપનાર એસેસરીઝ શોપના માલિકોને નોટિસ આપવામાં આવશે અને બ્લેક ફિલ્મ નહીં લગાવવા જણાવાશે. નોટિસ મળી ગયા બાદ પણ જો તે લોકો ફિલ્મ લગાવશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન ટ્રાફિક પોલીસે બ્લેક ફિલ્મ દૂર કરવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન એક માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ અંદાજે ર૦૦ થી વધુ કારચાલકો ઝપટે ચડ્યા હતા. આજે શહેરના પશ્ચિમવિસ્તારમાં બ્લેક ફિલ્મ અંગે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ચાલુ રહેશે.

You might also like