જેને ‘બુઢ્ઢાઓ’નો કેપ્ટન કહેવાયો હતો તે IPL-2018માં ‘કિંગ’ સાબિત થયો

ચેન્નઈઃ આઇપીએલ ૨૦૧૮માં ગત રવિવારે રમાયેલી મેચમાં ચેન્નઈએ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી દીધું. આ જીત સાથે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈની ટીમે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું. બે વર્ષ બાદ આઇપીએલમાં વાપસી કરનારી ચેન્નઈની ટીમ નવમી વાર ટૂર્નામેન્ટના પ્લેઓફ રાઉન્ડમાં પહોંચી.

ચેન્નઈની ટીમે સતત નવમી વાર પ્લેઓફમાં પહોંચીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આઇપીએલના દસ વર્ષના ઇતિહાસમાં ચેન્નઈ એકમાત્ર એવી ટીમ છે, જેણે દરેક વખતે આઇપીએલના પ્લેઓફ (અંતિમ ચાર) માટે ક્વોલિફાય કર્યું છે.

ચેન્નઈની ટીમ વર્તમાન આઇપીએલમાં ૧૨ મેચ રમી છે, જેમાંથી આઠ મેચ જીતી છે અને ચારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદને હરાવ્યા બાદ ધોનીની ટીમના ૧૬ પોઇન્ટ થઈ ગયા અને તે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. આ વર્ષે પોઇન્ટ ટેબલમાં ૧૨ મેચ રમીને નવ જીત સાથે હૈદરાબાદ પ્રથમ સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે આ વખતની આઇપીએલની હરાજી દરમિયાન ચેન્નઈએ પોતાના ખેલાડીઓને ખરીદ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા પર આ ટીમની જોરદાર મજાક ઉડાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ‘બુઢ્ઢાઓ’ની ટીમ છે, પરંતુ ‘બુઢ્ઢાઓ’ની આ ટીમે જ પોતાના ૩૬ વર્ષીય કેપ્ટન સાથે મળીને આઇપીએલમાં આ ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે.

મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ ટીમ આઇપીએલમાં જેટલી વાર રમી છે, દરેક વખતે તે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. બે વર્ષના પ્રતિબંધથી પણ તેના જુસ્સામાં કોઈ ફર્ક પડ્યો નથી અને પ્રતિબંધ બાદ પાછી ફરેલી આ ટીમ ફરી એક વાર સફળતાના ઝંડા લહેરાવી રહી છે.

ધોનીની કેપ્ટનશિપમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૬ વચ્ચે રમાયેલી આઠ આઇપીએલ સિઝનમાં ચેન્નઈ દરેક વખતે પ્લેઓફમાં પહોંચી છે. ધોનીની ટીમ વર્ષ ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫માં ફાઇનલમાં પહોંચી હતી અને વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૧માં ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.

૨૦૦૮થી ૨૦૧૮ઃ ચેન્નઈનું પ્રદર્શન
• ૨૦૦૮માં પ્લેઓફમાં પહોંચ્યા બાદ ફાઇનલમાં પરાજય.
• ૨૦૦૯માં પ્લેઓફમાં પહોંચીને ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.
• ૨૦૧૦માં પ્લેઓફમાં પહોંચીને પહેલી વાર ચેમ્પિયન બની.
• ૨૦૧૧માં પ્લેઓફમાં પહોંચીને સતત બીજા વર્ષે ચેમ્પિયન બની.
• ૨૦૧૨માં પ્લેઓફમાં પહોંચ્યા બાદ ફાઇનલમાં પરાજય.
• ૨૦૧૩માં પ્લેઓફમાં પહોંચ્યા બાદ ફાઇનલમાં પરાજય.
• ૨૦૧૪માં પ્લેઓફમાં પહોંચ્યા બાદ ત્રીજા સ્થાને રહી.
• ૨૦૧૫માં પ્લેઓફમાં પહોંચ્યા બાદ ફાઇનલમાં પરાજય.
• ૨૦૧૬ અને ૨૦૧૭માં ટીમ પર પ્રતિબંધ લગાવાયો હતો. એ દરમિયાન ધોની પુણેની ટીમનો હિસ્સો હતો.
• ૨૦૧૮માં ફરી એક વાર ધોનીની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે.

You might also like