મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ, 10 મંત્રીઓએ શપથ લીધા

મુંબઇઃ મુખયમંત્રી દેવેન્દ્ર ફડણવીસની 20 મહિના જૂની સરકારના મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં દસ નવા મંત્રીઓને સમાવી લેવામાં આવ્યા છે. નવા વિસ્તરણમાં ભાજપના 6, શિવસેનાના 2, અન્ય બે પક્ષોના 1-1 મંત્રીને સમાવવામાં આવ્યાં છે. કેબિનેટ વિસ્તરણમાં ઉદ્દવ ઠાકરે ગેરહાજર રહ્યાં છે.  પહેલાં શિવસેનાના રામ શિંદેને કેબીનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

વિસ્તરણમાં બીજેપીના પાંડુરંગ ફુંડકર, મદન યેરાવાર, સંભાજી નિલંગેકર, જયકુમાર રાવલ, રવીન્દ્ર ચવ્હાણ, સુભાષ દેશમુખ, શિવસેનાના અર્જુન ખોતકર અને ગુલાબરાવ પાટીલ, સ્વાભિમાન શેતકરી સંગઠનના સદાભાઉ ખોત અને રાષ્ટ્રીય સમાજ પાર્ટીના મહાદેવ જાનકરનો સમાવેશ થયો છે. દસે મંત્રીઓ આજે શપથ ગ્રહણ કર્યા છે. મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ આ વખતે રાજભવનની જગ્યાએ વિધાનમંડળમાં સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યો હતો.

આ મંત્રીમંડળમાં કેટલાક ફેરફારોની પણ સંભાવના છે. મળતી માહિતી મુજબ વિનોદ તાવડે પાસેથી મેડિકલ એજ્યુકેશનની જવાબદારી પરત લેવામાં આવશે. જ્યારે ગિરીશ મહાજનને વધારે જવાબદારી સોંપવામાં આવશે. તો પંકાજા મુડ્ડેના વિભાગમાં કોઇ જ ફેરફાર કરવામાં નહીં આવે.

મંત્રીમંડળના વિસ્તરણને પગલે મુખ્યમંત્રીના સરકારી નિવાસ સ્થાન પર ગઇ કાલે મોડીરાત સુધી ચહેલપહેલ રહી હતી. ગુરૂવારે શિવસેના દ્વારા બીજેપી પર દબાણ કરવામાં આવ્યું હતું કે બે રાજ્યમંત્રી પદ સાથે એક કેબિનેટ મંત્રી પદ પણ પ્રાપ્ત થવું જોઇએ. આ મુદ્દે શિવસેનાના બે મંત્રીઓએ મુખ્યમંત્રી સાથે બેઠક પણ યોજી હતી. જે સકારાત્મક રહી હતી.

You might also like