ગુરગ્રામમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી: ૧રથી વધુ લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન જારી

(એજન્સી) ગુરગ્રામ: ગુરગ્રામના ઉલ્લાવાસ ગામમાં નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ચાર વાગ્યે આ દુર્ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં ૧રથી વધુ લોકો હાજર હતા, જેઓ હાલ અંદર જ ફસાયેલા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે દબાઈ ગયા છે અને હાલ તેમને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તેમણે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.

વહેલી સવારે તમામ લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક ચાર માળની આ નિર્માણાધીન બિલ્ડિંગ મોટા ધડાકા સાથે ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગ તૂટી પડતાં આસપાસની અન્ય ઈમારતો અને ઘરને પણ અસર થઈ હતી. હાલ સ્થાનિક તંત્ર જેસીબી મશીન દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ આ બિલ્ડિંગ બની રહી હતી અને તે ધરાશાયી કેમ થઈ તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બધો કાટમાળ હટાવી લેવાય પછી કદાચ કારણો સામે આવશે.

ડોગ સ્ક્વોડની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની કવાયત ચાલી રહી છે. ગઈકાલે સાંજે આ વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. આ કારણે બચાવ કામગીરીમાં થોડી મુશ્કેલી આવી રહી છે.

આ અગાઉ પણ એનસીઆરમાં ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ગયા વર્ષે ગ્રેટર નોઈડાના શાહબેરી વિસ્તારમાં એક ઈમારત તૂટી પડી હતી, જેમાં નવ લોકોના મોત થયા હતા. આ કેસમાં પોલીસે ૨૪ લોકો સામે કેસ દાખલ કર્યો હતો અને ઘણાની ધરપકડ પણ કરવામાં આવી હતી.

You might also like