લુધિયાણામાં ભીષણ આગ બાદ ઇમારત ધરાશાયીઃ ર૪થી વધુ લોકો જીવતા દફન

લુધિયાણા: લુધિયાણા શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં સુફિયા ચોક નજીક એક ભીષણ અગ્નિકાંડમાં ર૪થી વધુ લોકો જીવતા દફન થઇ ગયા હતા. આ અકસ્માત ત્યારે બન્યો હતો જ્યારે પાંચ માળની પ્લાસ્ટિક ફેકટરી એમ્સન પોલિમરમાં લાગેલી આગ બુઝાવતી વખતે વિસ્ફોટ સાથે સમગ્ર ઇમારત એકાએક ધરાશાયી થઇ જતાં તેેના કાટમાળ નીચે ઓછામાં ઓછા ર૪ લોકો જીવતા દફન થઇ ગયા હતા. જેમાંથી મોટા ભાગના ફાયર બ્રિગેડના કર્મચારીઓ હોવાનું જણાવાય છે.

અત્યાર સુધીમાં કાટમાળ નીચેથી આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં ત્રણ મૃતદેહો ફાયર બ્રિગેડના કર્મચારીઓના હોવાનું જાણવા મળે છે. હજુ પણ કાટમાળમાં ૧૮ લોકો દટાયા હોવાની આશંકા છે.
આ દુર્ઘટના લુધિયાણાના સુફિયા ચોક નજીક એક પ્લાસ્ટિકની ફેકટરીમાં ઘટી હતી. જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવ્યા બાદ બચેલો સામાન બહાર કાઢી રહ્યા હતા. પોલિથિન બનાવતી ફેકટરીમાં એકાએક આગ લાગતાં ફેકટરીના માલિકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો અને ૧પ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી ગયા હતા.

અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આગ બુઝાયાના ચાર કલાક બાદ અચાનક બિલ્ડિંગમાં જોરદાર ધડાકો થયો હતો ત્યાર બાદ સમગ્ર ઇમારત કડડભૂસ સાથે ધરાશાયી થઇ ગઇ હતી. એ વખતે બિલ્ડિંગની આસપાસ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને ફેકટરીમાં કામ કરનાર એક ડઝનથી વધુ લોકો આગમાં બચી ગયેલો સામાન બહાર કાઢી રહ્યા હતા.

લુધિયાણાના લોકસભાના સાંસદ રવનીતસિંહ બિટ્ટુના જણાવ્યા અનુસાર ફેકટરીના છેલ્લા માળ પર કેમિકલ ભરેલું એક ડ્રમ હતું જે આગના સંપર્કમાં આવ્યા બાદ ફાટયું હતું અને તેના ધડાકાથી સમગ્ર ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. આ ઇમારત ધરાશાયી થતાં ર૪થી વધુ લોકો તેના કાટમાળ નીચે જીવતા દફન થઇ ગયા હતા. ત્યાર બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

આ ઇમારતના કાટમાળમાંથી આગની જવાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. બિલ્ડિંગમાં કેમિકલ અને પ્લાસ્ટિક ભરેલું હોવાથી ધુુમાડાના કારણે કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવા મુશ્કેલ છે. તેમ છતાં તેઓ જીવતા હોવાની આશા પર વહીવટી તંત્રએ હજુ રાહત અને બચાવ કામગીરી જારી રાખી છે.

You might also like