બજેટમાં કોર્પોરેટ ટેક્સ ૧૮ ટકા કરવાની માગ

મુંબઇ: સરકાર બજેટની તડામાર તૈયારીઓ કરી રહી છે. ઉદ્યોગ જગતનાં જુદાં જુદાં સંગઠન સહિત વિવિધ એસોસિયેશન દ્વારા સરકાર સામે બજેટ સંદર્ભે સૂચનો માગી બેઠકો યોજી રહી છે. દરમિયાન સરકાર બજેટમાં કોર્પોરેટ ટેક્સ ૧૮ ટકા રાખવાની માગ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ-સીઆઇઆઇએ કરી છે. સીઆઇઆઇના જણાવ્યા પ્રમાણે દેશની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ ટેક્સના માળખાંમાં આવવાના કારણે સરકારની પાસે કોર્પોરેટ ટેક્સના દરોને ઘટાડવાની ઘણી ‘સ્પેસ’ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે કોર્પોરેટ ટેક્સના દર ૧૮ ટકા રાખવાની અમારી માગ છે. સીઆઇઆઇએ વધુમાં જણાવ્યું કે આ ૧૮ ટકામાં તમામ પ્રકારનો સરચાર્જ અને સેસ પણ સામેલ કરવામાં આવે એટલું જ નહીં તમામ પ્રકારની ટેક્સની રાહતોને પણ દૂર કરવાની માગ કરાઇ છે. વર્તમાન સમયમાં કોર્પોરેટ ટેક્સ રેટ ૩૦ ટકા છે તે સિવાય સરચાર્જ અને સેસ પણ હોય છે. સીઆઇઆઇનું કહેવું છે કે હાલ કંપનીઓના પ્રોફિટ પર ટેક્સમાં જુદી જુદી રીતે ૩૨ પ્રકારની રાહત અને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના કારણે લાગુ પડતો ટેક્સનો દર ૧૯.૮ ટકા જ થાય છે.

સીઆઇઆઇના જણાવ્યા પ્રમાણે ટેક્સના દર ઓછા રહેવાને કારણે કંપનીએ ટેક્સ ભરવા આગળ આવશે એટલું જ નહીં ટેક્સના નીચા દર હોય તો વિદેશી કંપનીઓ પણ દેશમાં મોટા પ્રમાણમાં રોકાણ માટે આગળ આવશે.

home

You might also like