ધાનેરા રોડ પર પરીક્ષા આપી ઘેર પરત ફરી રહેલા ભાઇ-બહેનને અકસ્માતઃ બંનેના મોત

અમદાવાદ: ધાનેરા રોડ પર મામા બાપજીના મંદિર પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલા દૂધના ટેન્કરે બાઇકને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવાર ભાઇ-બહેનનાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના રામપુરા ગામના વતની ભૂરાભાઇ મશરૂભાઇ પરમાર (ઉ.વ. ર૪) અને સંગીતાબહેન (ઉ.વ. ૧૯) બંને ભાઇ-બહેન ધાનેરા પરીક્ષા આપી ગઇકાલે સાંજના સુમારે ધાનેરાથી બાઇક પર નીકળી પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે આ રોડ પર મામા બાપજીના મંદિર પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલા દૂધના ટેન્કરે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા આ ગમખ્વાર ઘટના બની હતી.

જેમાં ટેન્કરના પાછળના વ્હીલમાં આવી જતા ભૂરાભાઇનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે સંગીતાબહેનને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ મારફતે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું પણ મોત થયું હતું. પોલીસે તાત્કાલીક પહોંચી બંને લાશ પી.એમ. માટે મોકલી આપી આ અંગે ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

You might also like