વધુ એક હત્યાઃ વટવાના યુવકને મોતને ઘાટ ઉતારી લાશ ફાટક પાસે ફેંકી દીધી

દર એકાદ-બે દિવસે હત્યાની ઘટના શહેરના અલગ અલગ વિસ્તારમાં બનતાં પોલીસ માટે ચિંતાનો વિષય બની છે. વાસણા તેમજ ઘાટલો‌િડયામાં થયેલી હત્યાને હજુ ૪૮ કલાક પૂરા પણ નથી થયા ત્યારે બે દિવસ પહેલાં વટવા રેલવે સ્ટેશન નજીક આવેલ વિંઝોલ ફાટક પાસે ‌િબનવારસી હાલતમાં મળી આવેલી યુવકની લાશનો ભેદ પોસ્ટમોર્ટમ ‌િરપોર્ટે ખોલી દેતાં વધુ એક હત્યા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોસ્ટમોર્ટમ ‌િરપોર્ટમાં યુવકના શરીર પર ઇજાનાં નિશાન હોવાનું જણાવાતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

વટવા રેલવે સ્ટેશન નજીક આવેલ વિંઝોલ ફાટક પાસેથી બે દિવસ પહેલાં એક યુવકની લાશ મળી આવી હતી. જાહેર રોડ પર યુવકની લાશ મળતાં સ્થાનિકોએ તાત્કા‌િલક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ વટવા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરીને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

યુવકની તપાસ કરતાં તેની ઓળખ થાય તેવો કોઇ પણ પુરાવો પોલીસને મળ્યો નહોતો, જેના કારણે અજાણ્યા યુવકની લાશ મળી આવી હોવાના ફોટોગ્રાફ્સ સોશિયલ મી‌િડયા પર ફરતા કર્યા હતા જ્યારે પોલીસે તેમના બાતમીદારોને પણ સક્રિય કર્યા હતા. પોલીસ પાસે યુવકની હત્યા થઇ હોવાનો કોઇ ઠોસ પુરાવો નહીં હોવાથી અકસ્માત મોતની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસને તેમના બાતમીદાર દ્વારા એક માહિતી મળી હતી કે વટવા વિસ્તારમાં આવેલ ટંકાર ફ્લેટમાં રહેતો અને વટવા જીઆઇડીસીમાં નોકરી કરતો એક યુવક તારીખ ૧૬ એપ્રિલથી ગુમ થયો છે. પોલીસે ગુમ થનારના ભાઇ શૈલેન્દ્ર રામનો સંપર્ક કર્યો હતો અને મરનારનો ફોટોગ્રાફ્સ બતાવ્યો હતો. શૈલેન્દ્રએ ફોટો જોતાંની સાથે મરનાર યુવક તેમના મોટાભાઇ સુનીલદત્ત હોવાનું સામે જણાવ્યું હતું. શૈલેન્દ્ર વટવા વિસ્તારમાં આવેલ ટંકાર ફ્લેટમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને છત્રાલની એક કંપનીમાં નોકરી કરે છે. શૈલેન્દ્રના મોટા ભાઇ સુનીલદત્ત તેમની પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે.

સુનીલદત્ત વટવા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. તારીખ ૧૬ એપ્રિલના રોજ સુનીલદત્ત સાબુ લેવા માટે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત આવ્યો નહીં, જેના કારણે પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શૈલેન્દ્ર તેમજ પરિવારજનોએ સુનીલદત્તના મોબાઇલ ઉપર પણ ફોન કરવાની કોશિશ કરી હતી, જોકે તેનો ફોન ‌િસ્વચ ઓફ આવતો હતો, જેથી તેઓ વધુ ચિંતામાં મુકાતાં તેની વધુ શોધખોળ કરી હતી. સુનિલદત્ત જે જીઆઇડીસીમાં નોકરી કરે છે ત્યાં પણ શોધખોળ કરી હતી, જોકે તે નહીં મળતાં પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ કરી હતી.

બીજી તરફ પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલ સુનીલદત્તની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જ્યાં તબીબોએ સુનીલદત્તના શરીર પર ઇજાનાં ‌િનશાન મળી આવ્યાં હોવાનો પ્રાથમિક ‌િરપોર્ટ આપ્યો હતો. પોસ્ટમોર્ટમ ‌િરપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખ્સોએ સુનીલદત્ત પર અગમ્ય કારણસર હુમલો કરીને તેની હત્યા કરી હતી. વટવા પોલીસે સુનીલદત્તની હત્યાના મામલે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં હત્યાના બનાવ ઉત્તરોત્તર વધી રહ્યા છે. છેલ્લા દસ દિવસ દરમિયાન શહેરમાં પાંચ હત્યા અને એક યુવકનું અપમૃત્યુ થયું છે. ઘાટલોડિયાના સંજયનગરનાં છાપરાં વિસ્તારમાં એક તરુણીને ભગાડી જવાના વિવાદમાં સમાધાન કરવા માટે બે પક્ષ એકઠા થયા હતા. ચર્ચા દરમિયાન ૨૩ વર્ષના પ્રફુલ્લ સુરેશભાઈ સોલંકીએ પાડોશમાં જ રહેતા ૫૦ વર્ષના બળદેવભાઈ રૂપાભાઈ પરમારને માથામાં પથ્થર ઝીંકી દીધો હતો, જ્યાં તેમનું મોત થયું હતું, જ્યારે વાસણા ભાઠાના ગણેશનગરના બ્લોક નંબ-ર૩૧ પાસે નીલેશ રમેશભાઈ સોલંકી નામના રપ વર્ષના યુવકની હત્યા મંગળવાર રાત્રે નીપજાવાઈ હતી.

નીલેશની પત્ની શર્મિલાનાં લગ્ન અગાઉ સંજય ડાભી સાથે થયાં હતાં પણ દોઢેક વર્ષથી નીલેશ સાથે રહેતી હતી. સંજય વારંવાર આવીને શર્મિલાને જેમ ફાવે તેમ બોલતો હોવાથી નીલેશે તેનો ટોક્યો હતો, જેમાં મંગળવાર રાતના ૮ વાગ્યાના અરસામાં શર્મિલાના પહેલા પતિ સંજયે આવીને નીલેશને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

નિકોલના ખો‌િડયારનગરમાં પણ પતિએ તેની પત્નીને લાકડીથી મારી લોહીલુહાણ કરી ગળાટૂંપો આપી લાશને પાણીના ટાંકામાં ફેંકી દીધી હતી. સોલામાં પણ થોડા દિવસ પહેલાં નશો કરવા બાબતે એક સગીરે એક યુવકનું ગળું દબાવીને હત્યા કરી હતી, જેમાં પોલીસે ગુનો નોંધી સગીરની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ દિવસ પહેલાં સાબરમતી નદીમાંથી મળેલ યુવકની લાશનો ભેદ હજુ સુધી ખૂલ્યો નથી. યુવકની હત્યા થઇ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

You might also like