સાબરમતીમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી અજાણ્યા યુવાનની લાશ મળી

અમદાવાદ: શહેરના શાહપુર વિસ્તારમાં આવેલ સાબરમતી નદીના પટમાંથી મળી આવેલ અજાણ્યા યુવકની વિકૃત લાશમાં પોલીસે તેની હત્યા કરીને નદીમાં ફેંકી દીધો હોવાની શંકા વ્યકત કરી છે. યુવકના માથા પર બોથડ પદાર્થથી અને પેટમાં ધારદાર હ‌િથયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે.

ગઇ કાલે શાહપુર વિસ્તારમાં આવેલ સાબરમતી નદીના પટમાંથી ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે એક યુવકની વિકૃત હાલતમાં લાશ બહાર કાઢી હતી. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

યુવકની લાશ એટલી વિકૃત હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. યુવકની લાશને પોસ્ટમોર્ટમમાં મોકલતાં તબીબોએ તેની હત્યા થઇ હોવાની શંકા પોલીસ પાસે વ્યકત કરી હતી. યુવકના માથામાં તેમજ પેટના ભાગે હ‌િથયારથી હુમલો થયો હોય તેવું લાગી રહ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે લાશ તણાતી શાહપુર પાસે આવી પહોંચી હતી.

યુવકના માથામાં બોથડ પદાર્થ માર્યાે હોવાના ઘા છે ત્યારે તેના પેટનાં ભાગે ઈજાના નિશાન છે. મૃતક યુવકના હાથમાં એક ટેટુ છે, જેના આધારે તેની ઓળખ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એચ. પઠાણે જણાવ્યું છે કે યુવકને બોથડ પદાર્થ માર્યાે હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ પોસ્ટમોર્ટમ ‌િરપોર્ટ બાદ હકીકત સામે આવશે કે તેની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે. રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

You might also like