નર્મદા કેનાલમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતાં ચકચાર

અમદાવાદ: મોઢેરા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી હાથ-પગ બાંધેલી તેમજ ગળેફાંસો આપેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર જાગી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે મોઢેરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના સાઇફનમાંથી મોડી સાંજે ૪૦ વર્ષના એક યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી હતી. આ અજાણ્યા યુવાનની કોઇ શખસોએ ગળેફાંસો આપી હત્યા કરી હાથ-પગ બાંધી દઇ કેનાલમાં ફેંકી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

હત્યારાઓ એક પણ પુરાવો છોડી ગયા ન હોઇ પોલીસ માટે આ ઘટના પડકારરૂપ બની છે. મરનારના શરીર પર તેમજ કપડાં પરથી કોઇ ઓળખ વિધિ થઇ શકે તેવા પુરાવા મળ્યા નથી. આ યુવાન ક્યાંનો છે અને કોણ છે તે અંગેની માહિતી મેળવવા માટે પોલીસે કેનાલની આજુબાજુના ખેતરોમાં કામ કરતા મજૂરોની પૂછપરછ શરૂ કરી છે. અને મૃતક યુવાનનાં વિશેરા લઇ એફએસએલમાં મોકલી આપી આ અંગે ખૂનનો ગુનો દાખલ કર્યો છે.

You might also like