મુદ્રા ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચ સેન્ટરના બંગલામાંથી યુવતીની લાશ મળી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના શેલા ગામ નજીક આવેલી મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન (માઇકા) નામની સંસ્થાના રિસર્ચ સેન્ટરના ખંડેર બંગલામાંથી એક અજાણી યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

જે જગ્યામાં કોઈ પણ વ્યક્તિની અવરજવર નથી હોતી તેવી જગ્યામાંથી એક યુવતીની લાશ મળતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બોપલ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી યુવતીની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે.

બોપલ ઘુમા રોડ પર મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્યુનિકેશન નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થાના રિસર્ચ સેન્ટર પાસે એક ફાર્મ હાઉસ જેવું આવેલું છે અને તેમાં બે ત્રણ મકાન આવેલાં છે. લાઈટનું મેઈન સ્વિચ બોર્ડ બંગલામાં આવેલું છે. બે દિવસ પહેલાં લાઈટ બંધ થઈ જતાં સિક્યોરિટી ગાર્ડ બંગલા પાસે ગયો હતો.

દરમ્યાનમાં તેને મકાનમાંથી દુર્ગંધ આવી હતી. દુર્ગંધ આવતાં તેણેે આ મામલે સંસ્થાના લોકોને જાણ કરી હતી. તેઓએ આવીને મકાન ખોલતાં અંદરથી કોહવાઈ ગયેલી હાલતમાં આશરે ૨૦ વર્ષની, કાળા કલરના મોતી ટાંકેલું ટોપ અને કોફી કલરની લેગિન્સ પહેરેલી યુવતીની લાશ મળી આવી હતી.

બોપલ પોલીસે બંગલામાં તપાસ કરતાં કાંઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે અકસ્માત મોત નોંઘ્યું હતું.

જે જગ્યાએથી લાશ મળી આવી છે તે વિસ્તાર જંગલ જેવો છે ત્યાં કોઈની અવરજવર હોતી નથી. સિક્યોરિટી ગાર્ડન ગેટથી ૨૦૦ મિટર દૂર આ ખંડેર જેવો બંગલો આવેલો છે. ખંડેર બંગલામાંથી એક અજાણી યુવતીની લાશ મળતાં અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે.

You might also like