કોલંબિયાના BRTS પ્રોજેક્ટની આંધળી નકલ હવે કરોડોનું આંધણ કરાવશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ઢંગધડા વગરનાં આયોજનના કારણે અનેક પ્રકારના વિવાદ સમયાંતરે ઊઠતા રહ્યા છે. તેમાં પણ બીઆરટીએસ કોરિડોરથી શહેરના ૧૩ર ફૂટ પહોળા રસ્તા પણ સાંકડા બન્યા હોઇ વારંવાર મિક્સ ટ્રાફિકમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

જેના કારણે વધુને વધુ એએમટીએસની બસને બીઆરટીએસ કોરિડોરમાં દોડાવાઇ રહી છે પરંતુ બીઆરટીએસ સર્વિસના મિકસ ટ્રાફિકને માટે જે તે રોડની પહોળી ફૂટપાથ વાહનોની સરળ અવરજવર માટે નડતરરૂપ બની હોઇ હવે તંત્ર દ્વારા આ પ્રકારની પહોળી ફૂટપાથને ઉખાડીને નાની કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

દ‌ક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના બગોટા શહેરની બીઆરટીએસ સર્વિસની આંધળી નકલ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને લાખો રૂપિયાનું આંધણ કરાવશે. જે બીજા અર્થમાં ખાતર પર દિવેલ કરવા જેવી સત્તાવાળાઓ માટે હાસ્યાસ્પદ કામગીરી ઠરશેે.

શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડવા માટે એએમટીએસ ઉપરાંત બસ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ (બીઆરટીએસ)નો ગત તા.૧૪ ઓક્ટોબર, ર૦૦૯થી અમદાવાદમાં પ્રારંભ કરાયો હતો. શરૂઆતમાં આરટીઓથી વાસણાના ચંદ્રનગર સુધી બીઆરટીએસ સર્વિસ લોકો માટે ખુલ્લી મુકાઇ હતી.

ત્યારબાદ ક્રમશઃ બીઆરટીએસ સર્વિસનો શહેરમાં વ્યાપ વધતો ગયો અને આજે કુલ ૯૭ કિમીના રૂટ પર કે જેમાં ૮૯ કિમી બીઆરટીએસ કોરિડોર હોઇ બીઆરટીએસ સેવાનો લાભ દૈનિક ૧.પ૦ લાખ ઉતારુઓ લઇ રહ્યા છે. બીઆરટીએસ સર્વિસથી તંત્રને દૈનિક રૂ.ર૦ લાખની આવક થઇ રહી છે.

એક પ્રકારે અમદાવાદીઓએ બીઆરટીએસ સર્વિસને આવકારી છે, પરંતુ તેની ઢંગધડા વગરની ડિઝાઇન સતત વિવાદાસ્પદ બની છે.

છેલ્લે તંત્ર દ્વારા ઓક્ટોબર, ર૦૧૬માં બીઆરટીએસ સર્વિસને બોપલથી ઘુમા સુધી લંબાવાઇ હતી. જો કે બીઆરટીએસ કોરિડોરથી મ્યુનિસિપલ મુખ્યાલયને સાંકળતા આસ્ટોડિયા રોડ પર હરહંમેશ ટ્રાફિક જામ થવાથી મેયર અને કમિશનરની ગાડી અટવાયા કરે છે.

આ ઉપરાંત બીઆરટીએસ કોરિડોર સંલગ્ન રસ્તા પરની પહોળી ફૂટપાથ પણ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની છે.

આ માટે બીઆરટીએસ સર્વિસની ખામીયુક્ત ડિઝાઇન કારણભૂત છે. અમદાવાદમાં મબીઆરટીએસ બસ દોડતી કરવા માટે સત્તાવાળાઓએ ‘સેપ્ટ’ને ડિઝાઇન બનાવવાની કામગીરી સોંપી હતી.

પરંતુ દ‌ક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના બગોટા શહેરની આંધળી નકલ ધરાવતી બીઆરટીએસની ડિઝાઇનમાં અમદાવાદ જેવા ગીચ શહેર માટે ક્ષતિયુક્ત પહોળી ફૂટપાથ તેમજ સાઇકલ ટ્રેક ધરાવતી હોઇ હવે રહી રહીને સત્તાધીશોની આંખ ઊઘડી છે. સેપ્ટને આશરે રૂપિયા રર૦૦ કરોડના બીઆરટીએસ પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા ડિઝાઇન પેટે રૂપિયા ૧૮થી ર૦ કરોડ ચૂકવાયા હતાં.

બીઆરટીએસનો સાઇકલ ટ્રેક તો પ્રારંભથી બિનઉપયોગી ઠર્યો છે. સાઇકલ ટ્રેક પર પાણીપૂરીવાળા સહિતનાં લારી ગલ્લાનાં દબાણના રાફડાની કાયમી સમસ્યા છે. ૧૩ર ફૂટના રોડ અને નરોડા-નારોલ હાઇવે પરની સાઇકલ ટ્રેક ઉખાડી નાખવાની ભાજપના શાસકો અગાઉ જાહેરાત કરી ચુક્યા હોઇ તે દિશામાં હજુ તંત્ર ગંભીર બન્યું નથી.

પરંતુ મણિનગર રેલવ સ્ટેશનથી મણિનગર ચાર રસ્તા સુધીના બીઆરટીએસ કોરિડોર ધરાવતા રસ્તાની પહોળી ફૂટપાથ વિરુદ્ધ સ્થાનિક લોકોએ શાસક પક્ષ સમક્ષ રોષ ઠાલવતાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ સક્રિય બન્યા છે.

You might also like