ભાજપ અને સંઘ પરિવાર અયોધ્યાના મુદ્દાને સતત સળગતો રાખવા માગે છે

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની નિર્ણાયક સુનાવણી વધુ એક વખત ટળી ગઇ છે. આ કેસની સુનાવણી ઘણા લાંબા સમયથી પડતર હતી એટલે એવી આશા હતી કે સુપ્રીમ કોર્ટ ચોક્કસપણે તેમાં વિલંબ નહીં કરે, પરંતુ આવું થયું નહીં અને સુનાવણી વધુ ત્રણ મહિના પાછી ઠેલાઇ.

આ પરથી એક વાત સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટે પણ આ મામલાને પ્રાથમિકતા અને અગ્રીમતા આપવાનું મુનાસીબ ગણ્યું નથી. હવે આ કેસ સાથે સંકળાયેલા તમામ પક્ષકારો મૂંઝવણમાં મુકાઇ ગયા છે કે આ મામલામાં આગળની કાર્યવાહી શું કરવી?

ખાસ કરીને ભાજપ અને સંઘ પરિવાર સુપ્રીમના ચુકાદાને લઇ પાંચ રાજ્યની આગામી ચૂંટણી તેમજ ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં મુદ્દો બનાવવા માગતા હતા. તેમની આ આશા પર હવે પાણી ફરી વળ્યું છે.

હવે એવી જોરશોરથી માગ થઇ રહી છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણના મુદ્દે મોદી સરકારે વટહુકમ લાવવો જોઇએ, જોકે વટહુકમ લાવવો એ પણ મોદી સરકાર માટે કપરાં ચઢાણ સમાન છે.

રામમંદિરની કડવી વાસ્તવિકતા એ છે કે ભાજપ અને સંઘ પરિવાર અંદરખાને ઇચ્છતા નથી કે આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ આવે, કારણ કે તેઓ રામમંદિરના મુદ્દાને હંમેશાં ચૂંટણી મુદ્દો બનાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મુદ્દાનો ઉકેલ નહીં લાવીને ભાજપ અને સંઘ પરિવાર તેને સગળતો રાખવા માગે છે કે જેથી ચૂંટણીમાં હિંદુત્વના મતનું ધ્રુવીકરણ કરી શકાય.

વટહુકમ લાવ્યા બાદ નિયત સમય મર્યાદામાં તેનો ખરડો સંસદમાં પસાર કરવો પડે છે, પરંતુ રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી આ ખરડો પસાર થવાની કોઇ શક્યતા જણાતી નથી, જોકે સંત સમુદાયના એક મોટા વર્ગે તેમજ રામમંદિર આંદોલન સાથે સંકળાયેલા સંતો-મહંતોએ ૬ ડિસેમ્બરથી અયોધ્યામાં મંદિર નિર્માણની જાહેરાત કરી દીધી છે. સંત સમાજનું કહેવું છે કે કોઇ ભલે ગમે તે કહે, પરંતુ તેઓ આ તારીખે મંદિર નિર્માણ શરૂ કરવા કૃત સંકલ્પિત છે.

જોકે ૧૯૯૦થી આવી જાહેરાતોનો ‌િસલ‌િસલો ચાલતો આવ્યો છે અને ચૂંટણી આવે છે ત્યારે આ મુદ્દો ગરમાય છે અને પછી કોલ્ડ સ્ટોરેજમાં જતો રહે છે. હવે ર૦૧૯ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે, આની સાથે-સાથે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો પણ ગરમી પકડી રહ્યો છે.

હિંદુવાદી સંગઠનો ફરી એક વાર રામમંદિર મુદ્દે બૂમાબૂમ કરવા લાગ્યાં છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ મંદિરની માલિકી કોની એ મામલે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે બહુ પહેલાં જ રોજેરોજ સુનાવણી કરીને આ મુદ્દાનો નિવેડો લાવવાનું એલાન કર્યું હતું, પરંતુ આ મુદ્દે તારીખ પર તારીખ પડ્યા કરે છે.

સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી કરવાના બદલે તારીખ પાડી દીધી ને તારીખ પણ પાછી છેક જાન્યુઆરીની આપી દીધી. નવેમ્બર-ડિસેમ્બરમાં ભાજપ શાસિત ત્રણ રાજ્ય સહિત પાંચ રાજ્યની ચૂંટણી આવી છે. આ ચૂંટણી પૂર્ણ થાય એ પછીની મુદત સુપ્રીમે આપી દેતાં આ વાતને ત્રણ મહિના માટે પાછી ઠેલી દીધી છે.

હવે પછી જાન્યુઆરીમાં આ મામલે સુનાવણી થશે ને એ વખતે પણ પાછી ફરી તારીખ નહીં પડે તેની ગેરંટી આપી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટ રોજેરોજ સુનાવણી કરે એટલી નવરી પણ નથી એ જોતાં લોકસભાની ચૂંટણી પહેલાં નિવેડો આવે તેવી કોઈ શક્યતા હાલમાં જોવા મળતી નથી.

સુપ્રીમ કોર્ટમાં બેઠેલા જજના મનમાં શું ચાલી રહ્યું છે એ કળવું મુશ્કેલ છે પણ એ લોકો આ મામલે દેશભરમાં ઉન્માદ પેદા ના થાય ને ચૂંટણી પર તેની અસર ના પડે એટલા માટે સુનાવણી ટાળતા હોય એવું લાગી રહ્યું છે.

સુપ્રીમમાં ફરી મુદત પડી તેનાથી હિંદુવાદી સંગઠનો વિફર્યાં છે. તેમણે રામમંદિર બાંધવા માટે મોદી સરકારે વટહુકમ લાવવો જોઈએ એવું પણ બોલવાનું શરૂ કરી દીધું છે.

સુપ્રીમે જાન્યુઆરીની તારીખ આપી એ સાથે જ સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમાર મેદાનમાં આવી ગયા હતા. અરુણ કુમારે જાહેર કરી દીધું કે સુપ્રીમ કોર્ટ કશું ના કરી શકતી હોય તો પછી કેન્દ્ર સરકારે રામમંદિરના નિર્માણ માટે કાયદો બનાવવો જોઈએ.

સંઘે કહ્યું એટલે વિશ્વ હિન્દુ પરિષદે બોલવાનું શરૂ કરી દીધું. વિશ્વ હિન્દુ પરિષદ વતી કાર્યકારી પ્રમુખ આલોક કુમારે પણ એ જ રાગ છેડ્યો છે, જે સંઘે છેડ્યો.

વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપને રામમંદિર બને કે ના બને તેમાં કોઈ રસ નથી. તેઓ માત્ર રામમંદિરના મુદ્દાનો સત્તા આરોહણની સીડી તરીકે જ ભરપૂર ઉપયોગ કરવા માગે છે.

You might also like