મનુષ્યનો સૌથી મોટો શત્રુ ક્રોધ છે

વાલ્મીકિ રામાયણમાં કહ્યું છે કે, ક્રોધ પ્રાણ ઘાતક શત્રુ છે, વળી ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વૈરી છે. ક્રોધ એક ક્રોધથી કલુષિત બુદ્ધિ કર્તવ્યાકર્તવ્યનો વિવેક ગુમાવી બેસે છે. ક્રોધને કીર્તિનાશક રહ્યો છે. ક્રોધી માણસ પાસે ઉપાર્જિત કરેલી લક્ષ્મી પણ ટકતી નથી ક્યારેય ક્રોધ ન કરવો.માણસ ગમે તેટલા સમર્થ હોય પણ ઉકળતા પાણીમાં તે કદી પોતાનું પ્રતિબિંબ નિહાળી શકતો નથી. ક્રોધ પણ ઉકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે પોતાનું હિત શેમાં સમાયેલું છે તે જોઇ શકતો નથી. દિવાસળી પોતે સળગીને બીજાને સળગાવે છે. ક્રોધનું પણ એવું જ છે. પોતે ક્રોધથી બળે ને બીજાને પણ બાળે છે.
ક્રોધી- ક્રોધમાં પણ થોડોક ફરક હોય છે. સજ્જન માણસનો ક્રોધ પાણીમાં લીટા કરવા જેવો છે. સાધારણ માણસનો ક્રોધ રેતીમાં લીટા કરવા જેવો છે. નીચ માણસનો ક્રોધ લોઢામાં લીટા કરવા જેવો છે. જે ક્યારેય વિસરતો જ નથી. માટે જ કહ્યું છે કે,
સજ્જનનો ક્રોધ એક ક્ષણ ટકે. સાધારણ માણસનો બે કલાક. નીચ માણસનો એક દિવસ. મહાપાપીનો મરતા સુધી. ક્રોધનું પહેલું સ્વરૂપ વર્તનમાં અક્કડપણું આવે છે. મનોમન તે અર્ધબળ કાષ્ઠની પેઠે ધુંધવાયા કરે છે. ક્રોધ વધારે વ્યાપે ત્યારે અવિવેકભર્યા શબ્દોની ઝડી વરસે છે. પછી અંધ બનીને ગમે તેની સામે હાથ ઉગામાય છે. સામી વ્યક્તિ કોણ છે. આજુબાજુ કોણ છે, હું ક્યાં સ્થાન છું, તે કશાયનું તેનું ભાન રહેતું નથી. ક્રોધ માનવીને સદ્બુદ્ધિને ભૂલાવીને વિભ્રાંત બનાવી દે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન લોયા પ્રકરણનાં પહેલાં વચનામૃતમાં કહે છે કે, ક્રોધ ઉપર તો અમારે ઘણું વૈર છે. ક્રોધી જે માણસ અથવા દેવતા તે અમને ગમતા નહીં. ક્રોધ તો કેવો છે તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયા કૂતરાંની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે કૂતરાંની પેઠે ડાચિયાં નાખીને સંતના માર્ગ થકી પડી જાય અને વળી ક્રોધ કેવો છે તો વાઘ, દિપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવડાવે છે. અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ જો સાધુમાં આવે તો તે અતિશે ભૂંડો લાગે છે. માટે ક્રોધ જેના દેહમાં આવે તેને વિરૂપ કરી નાંખે છે.
સાનભાન ગુમાવતો ક્રોધી માણસ આવેશમાં આવીને ગમે તે કરતો દેખાય છે. ભેગો કરેલો ક્રોધ એ ટાઇમપ બોમ્મ છે. એ જ્યારે ફાટે ત્યારે આખાય પરિવાર તંત્રનું જીવન નાશ પમાડી દે છે. સામાન્યમાં સામાન્ય ગુસ્સો પણ ઝેરનું બિંદુ મૂકી જાય છે. આવા અનેક બિંદુઓ ભેળા થાય ત્યારે જેનું વર્ણન ન થઇ શકે તેવી વિષમતા જન્મે છે.
આજનો માનવ દિવસે દિવસે લેટ ગો કરવાનું વિસરી ગયો છે. સહનશક્તિ બિલકુલ ઘટી ગઇ છે. વાત વાતમાં ક્રોધ કરી બેસે છે. અને એમાંય હાલ સારા વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. એટલે ઘરમાં આર્થિક તકલીફ પડે એટલે એકબીજા ઉપર દોષોનું આરોપણ કરીને સામસામે ક્રોધ ઠાલવે છે. પતિ-પોતાની પત્ની ઉપર ગુસ્સો કરે છે કે, તું ઘરમાં બહુ ખર્ચ કરે છે. પત્ની પોતાના પતિ ઉપર તાડુકે છે કે, તમો શેર બજારમાં શા માટે પૈસા રોક્યા… આટલા ઓછા પૈસાથી ઘર ના ચાલે… તેવી જ રીતે પિતા- પુત્ર ઉપર તો પુત્ર – પિતા ઉપર સામસામે ક્રોધ કરે છે અને પછી ન કરવાનું કરે છે. આત્મહત્યા… મારામારી… ઘરમાંથી જુદા પડવાનું… આવી પરિસ્થિતિ હાલ મોટા પ્રમાણમાં ઘરો ઘર સર્જાઇ છે. પરંતુ શું આમ કરવાથી આ પ્રશ્નોનો ઉકેલ આવી જશે. જેને ભૂલ કરી તેને સૌ એક પરિવારના સભ્યો છીએ. સુખમાં સાથે રહ્યા તો દુઃખમાં પણ સાથે જ રહેવાનું છે. જે થઇ ગયું તે થઇ ગયું. હવે શું કરવું જોઇએ તેનું આયોજન કરો. ઘરમાં આર્થિક તકલીફ હોય તો ફાલતું ખર્ચ ઓછા કરવા જોઇએ. કરકરસર કરવી જોઇએ. વ્યસનો અને તજવાં જોઇએ.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુવર્ય શ્રી મુકતજીવન સ્વામીબાપાએ માટે જ કહે છે કે ક્રોધ એ ક્ષણજીવી છે, પંરતુ તેનું પરિણામ ચિરંજીવી હોય છે. ક્રોધ ઉપજવાનાં કારણો સામાન્ય નહીંવત્ હોય છે તે ઉજપજ્યા પછીનું પરિણામ અનેક પ્રકારના દુઃખોને આપનારું હોય છે. માટે આપણે સત્સંગ કરીને સમજણ કેળવીને આપણામાં રહેલા મહાભયંકર ક્રોધ રૂપી દોષને ટાળવા તત્પર થવું જોઇએ.
-શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર.

You might also like