OICમાં ભારત સરકારની કૂટનીતિની મોટી સફળતા

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસીમાં ભારતના વિદેશ પ્રધાનને ખાસ અતિથિ તરીકે આમંત્રણ મળતાં સ્વાભાવિક રીતે પાકિસ્તાન છંછેડાયું હતું. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના ભાષણનો પણ પાકિસ્તાનના વિદેશ પ્રધાને બહિષ્કાર કર્યો હતો. ઇસ્લામિક દેશોની કોન્ફરન્સમાં ભારતને આમંત્રણ એ મોદી સરકારની વિદેશનીતિ અને કૂટનીતિની મોટી જીત કહી શકાય.

સુષમા સ્વરાજનું સંબોધન પણ આતંકવાદ પર કેન્દ્રિત રહ્યું. પાકિસ્તાન તરફ જ સીધો ઇશારો કરતાં તેમણે કહ્યું કે માનવતાની રક્ષા ત્યારે જ થઇ શકશે જ્યારે આતંકવાદીઓને આશરો અને સહાય આપતા દેશો પર જોરદાર દબાણ ઊભું કરવામાં આવે. ઇસ્લામિક સંગઠનમાં પાકિસ્તાન મોટો ભા હોય તે રીતે વર્તે છે ત્યારે તેની જ બેઠકમાં ભારતે જોરદાર લપડાક મારી છે. આ બેઠકમાં આમંત્રણના કારણે ભારતને મુસ્લિમ દેશોની નજીક જવાનો મોકો મળ્યો છે. ૧૯૬૯માં ઓઆઇસીની સ્થાપના થઇ ત્યારે ભારતને પણ તેમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું.

જોકે પાકિસ્તાનના વિરોધના કારણે ભારત તેનું સભ્ય બની શકયું ન હતું, જેના કારણે મુસ્લિમ દેશો અને ભારત વચ્ચેનું અંતર વધતું રહ્યું. પાકિસ્તાન મુસ્લિમ દેશોમાં સતત ભારત વિરુદ્ધ ઝેર ભરતું રહ્યું અને પોતાનો સ્વાર્થ સાધતું રહ્યું. હવે ફરીથી ભારત અને મુ‌સ્લિમ દેશો વચ્ચે સંવાદ અને સમજણ વધી રહ્યાં છે. મુસ્લિમ દેશો સાથે સારા સંબંધો ભારત માટે અનેક રીતે ફાયદાકારક છે. સૌથી મોટો ફાયદો એ કે હવે કાશ્મીર મામલે આપણે આપણી વાત તેમના સુધી સારી રીતે પહોંચાડી શકીશું. તેની શરૂઆત જોકે થઇ પણ ગઇ છે.

ભારતે કરેલી એર સ્ટ્રાઇક પછી પણ કોઇ પણ મુસ્લિમ દેશ પાકિસ્તાનની તરફેણમાં બહાર આવ્યો નથી તે ભારતની બહુ મોટી સફળતા છે. મજાની વાત એ છે કે મુસ્લિમ દેશોનું એક કાશ્મીર કોન્ટેકટ ગ્રૂપ પણ છે અને તેના પર પાકિસ્તાનનો કબજો છે. તેનો ઉપયોગ કાશ્મીરના નામે જુઠ્ઠાણાં ચલાવવા માટે પાકિસ્તાન કરે છે.

તેના કારણે આ ગ્રૂપ દ્વારા કાશ્મીર અંગે જે પણ નિવેદન આવતાં હતાં તે એકતરફી રહેતાં અને પાકિસ્તાન દ્વારા જ તે તૈયાર કરાતાં હતાં. ભારતના પક્ષને તેમાં સ્થાન અપાતું ન હતું પણ હવે આ બધું બદલાઇ રહ્યું છે. તેથી જ ભારતને અતિથિવિશેષ તરીકે સન્માન અપાયું છે.

સુષમા સ્વરાજે પણ આ પ્લેટફોર્મનો બરોબર ઉપયોગ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ સામેની લડાઇ માત્ર યુદ્ધ કે ગુપ્ત માહિતીની આપ-લે માત્રથી જીતાશે નહીં. તે માટે તમામ દેશોએ ભેગા મળીને નીતિ બનાવવી પડશે. ઇસ્લામિક દેશો ભારતને એમ જ મહત્ત્વ આપવા લાગ્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિનું આ પરિણામ છે. અત્યારે મુસ્લિમ દેશો અને ખાસ કરીને અખાતી દેશો સાથે ભારતના સંબંધો ઘણા સુધર્યા છે. પુલવામા હુમલા પછી ભારતે કરેલી એર સ્ટ્રાઇક અંગે પાકિસ્તાને કાગારોળ મચાવીને દુનિયાના દેશો ભારત પર દબાણ કરે તે માટે પ્રયાસો કર્યા હતા.

જોકે પાકિસ્તાનને અન્ય દેશો તો ઠીક મુસ્લિમ દેશોનું સમર્થન પણ મળ્યું નથી. મુસ્લિમ દેશોનું સંગઠન મહત્ત્વનું એટલા માટે પણ છે કે તે સાથે મળીને નિર્ણયો કરે છે. આ સંગઠનની વૈશ્વિક રાજકારણમાં પણ ખાસ્સી અસર હોય છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવામાં ભારત સામે મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનના દબાણના કારણે આડખીલી સમાન રહ્યા છે. હવે સ્થિતિ બદલાઇ શકે છે.

આર્થિક રીતે પણ ઓઆઇસીના સભ્ય દેશો સાથેના મજબૂત સંબંધ ફાયદાકારક સાબિત થશે.સાઉદી અરબ, કુવૈત જેવા કેટલાક મુસ્લિમ દેશો આર્થિક રીતે સંપન્ન છે અને તેઓ ભારતમાં મોટા પાયે મૂૂડીરોકાણ કરે તેવી આશા પણ ઉજ્જ્વળ બની છે. ભારતના મુસ્લિમ સમાજ પર પણ તેનો સારો સંદેશ જશે. આતંકવાદના મુદ્દે પાક. પર દબાણ ઊભું કરવામાં આ સંગઠન ખાસ્સું ઉપયોગી સાબિત થશે.

You might also like