ડિપ્રેશન સામે લડતી વ્યક્તિ માટે પ્રેમ-હૂંફ શ્રેષ્ઠ ઉપચાર

આધુનિક જીવનશૈલી તેની સાથે અનેક સમસ્યાઓ પણ લઈને આવી છે. આજના ફાસ્ટ યુગમાં સતત હરીફાઈ અને અસુરક્ષાની ભાવના વચ્ચે જીવતા લોકો જાતજાતની માનસિક બીમારીનો શિકાર બને છે અને કેટલીક વખત આ બીમારીઓ જીવલેણ પણ નિવડતી હોય છે. સૌથી મોટી સંખ્યામાં લોકો જેનાથી પરેશાન છે અને આપણે ત્યાં શરમના કારણે કે લોકો શું કહેશે એ ડરથી જેની ચર્ચા સૌથી ઓછી થાય છે એ ઘાતક માનસિક રોગ છે ડિપ્રેશન.

ડિપ્રેશન એટલે કે ઉદાસીનતા કે ખિન્નતા એવી સ્થિતિ છે, જે લાંબા સમય સુધી રહે તો વ્યક્તિ નિરાશાની એ હાલતમાં કંઈ પણ કરી બેસે છે. આ બીમારીનું સમાધાન મુશ્કેલ એટલે જ બન્યું છે, કેમ કે તેની નિખાલસ કબૂલાત કરતાં દિલમાં અજાણ્યો ડર લાગે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચેતવણી આપી ચૂક્યું છે કે વર્ષ ર૦ર૦ સુધીમાં ડિપ્રેશન દુનિયાની બીજી સૌથી મોટી બીમારી બની જશે. કરુણતા એ છે કે આપણે ત્યાં મોટા ભાગના લોકો આ બીમારીનાં લક્ષણો પારખવામાં થાપ ખાઈ જાય છે અને વ્યક્તિને જ્યારે કોઈની મદદ કે સહારાની જરૂર સૌથી વધારે હોય ત્યારે જ તે એકલા આ સંજોગો સામે લડે છે. પરિણામે તે નિરાશાની ખાઈમાં વધુ ને વધુ સમાતો જાય છે.

ટોચના મનોવિજ્ઞાનીઓનો દાવો છે કે જો યોગ્ય સમયે ડિપ્રેશન સામે લડતી વ્યક્તિને સમજીને તેને સાથ આપવામાં આવે તો તેને આ બીમારીમાંથી બહાર લાવી શકાય છે. આ રોગનાં કેટલાંક ખાસ લક્ષણો છે, જે સૌથી પહેલાં એ વ્યક્તિને જ ખબર પડે છે, જે ભોગ બની હોય છે. આધુનિક સમાજમાં બહુપ્રચલિત માનસિક રોગની શ્રેણીમાં આવતો હોવા છતાં પણ ડિપ્રેશનના રોગ અંગે હજુ જોઈએ એવી જાગૃતિ ફેલાઈ નથી.

સમયની સાથે સતત વધતા જતા ઘરેલુ વિવાદ, અંદરના મતભેદ, કાર્યની વ્યસ્તતા, બીજા કરતાં આગળ નીકળી જવાની હોડ, મનને ગમે એવું કાર્ય ન મળવું, ઓફિસમાં ઉપરી અધિકારી કે બોસ દ્વારા સતત તિરસ્કૃત કરતું વર્તન, ખોટી સોબતના કારણે ઘર કરી જતી નશાની આદત, બદલતા સમય સાથે પોતાની વિચારસરણીમાં પરિવર્તન લાવવામાં નિષ્ફળતા, લાંબા સમયથી કોઈ બીમારી સામેની લડાઈ કે બહુ જ નજીકની વ્યક્તિ દ્વારા મળેલો વિશ્વાસઘાત કે દગો વ્યક્તિને આસાનીથી ડિપ્રેશનના દ્વારે ઊભી રાખી દેતા હોય છે.

ખાસ કરીને ટીનેજર્સ અને યુવાઓમાં ડિપ્રેશન બહુ જલદી આવી જતું હોય છે. અભ્યાસમાં ઉજ્જ્વળ દેખાવનું દબાણ, મા-બાપનાં સપનાં પૂરાં કરવા માટે કરાતું પ્રેશર, રિઝલ્ટ નબળું આવે ત્યારે અન્ય લોકો સાથે કરવામાં આવતી સરખામણી અને આવા સમયે વાલીઓ દ્વારા હૂંફ મળવાના બદલે કરાતું ઓરમાયું વર્તન ઘાતક પુરવાર થાય છે. કિશોરાવસ્થામાં ડિપ્રેશન આવવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. એ વખતે જો બાળકને સમજીને તેની સમસ્યાનો ઉકેલ લાવવામાં ન આવે તો ઘણી વખત બહુ મોડું પણ થઈ જતું હોય છે.

આમ જોઈએ તો અનેક કારણોના લીધે થતી ડિપ્રેશન કે ઉદાસીનતાની બીમારી વ્યક્તિમાં અનેક ફેરફારનું પણ કારણ બને છે. જીવન પ્રત્યે ધીમે ધીમે નકારાત્મક દૃષ્ટિકોણ એ હદે વધવા લાગે છે કે ક્યારેક જીવન કરતાં મોત વધુ વહાલું બની જાય છે. નવું કાર્ય કે નવી જવાબદારી સ્વીકારવાની હિંમત અને તાકાત લગભગ ઓસરી જતી હોય છે. દિલમાં ન સમજાય એવું દર્દ કોરી ખાતું હોય છે, છતાં આ સ્થિતિ કોઈને સમજાવી શકાતી નથી.

આધુનિક મનોવિજ્ઞાન ડિપ્રેશનનું કારણ મસ્તકમાં સિરોટોનીન, નાર-એડ્રિનાલિન અને ડોપામિન જેવા ન્યૂરો ટ્રાન્સમીટરની ઊણપ માને છે. એટલે જે મોટા ભાગના કેસમાં ન્યૂરો ટ્રાન્સમીટરની સામાન્ય માત્રા જાળવી રાખવા માટે ટ્રાયસાયક્લિક ક્લાસ કે સ્પેસિફિક સિરોટોનીન રિ-અપટેક ઈન્હિબીટર ક્લાસની દવાઓ જ આપવામાં આવે છે.

કેટલાક લોકો ડિપ્રેશનને લાઈફસ્ટાઈલ ડિસીઝ પણ ગણાવે છે. એક સર્વે અમુસાર ભારતમાં આ માનસિક રોગના સૌથી વધુ પીડિત લોકો છે. ભારતના અંદાજે ૬.પ ટકા લોકો ડિપ્રેશન જેવી સમસ્યા સામે લડી રહ્યા છે. એકધારું રૂટિન અને મોનોટોનસ કામ પણ વ્યક્તિને નિરાશા તરફ ધકેલી દે છે.

આવા સંજોગોમાં એક બ્રેક લઈને કોઈ મનગમતી વ્યક્તિ સાથે સમય વીતાવવામાં આવે તે બહુ જરૂરી છે. વિજ્ઞાનીઓને દાવો છે કે માણસ ને કુદરતનો સીધો સંબંધ છે. ગમે તેવા વ્યથિત મનને પ્રકૃતિના ખોળે જઈને શાંતિ મળતી હોય છે. તમારી જાતની કોઈ સાથે સરખામણી કરવાની ટાળો એ ડિપ્રેશનનો શ્રેષ્ઠ ઉપાય છે. યાદ રાખો કે ભગવાને તમને કોઈ ચોક્કસ કાર્ય માટે જ અહીં મોકલ્યા છે. જાત પર પૂરો વિશ્વાસ રાખવાથી અને ખુદને પ્રેમ કરવાથી અનેક સમસ્યાઓ ટાળી શકાય છે.

તમારી આસપાસની વ્યક્તિના સ્વભાવમાં ઓચિંતા ફેરફાર થવા લાગે, તે એકલી રહેવા લાગે ત્યારે સમજી જવું કે તેની માનસિક ઉદાસીનતા વધી રહી છે અને હવે તેને તાત્કાલિક કોઈના પ્રેમ અને સાથની જરૂર છે. સૌથી નજીકની વ્યક્તિને જ સૌથી પહેલાં જાણ થતી હોય છે કે શું થઈ રહ્યું છે.

ડિપ્રેશન સામે ઝઝૂમી રહેલી વ્યક્તિ સાથે વાત કરીને તેની સમસ્યા જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણી વખત એવું પણ બને કે વ્યક્તિ શરમ-સંકોચના કારણે કબૂલાત ન પણ કરી શકે કે તેની માનસિક હાલત કથળી રહી છે.

આપણા સમાજમાં આજે પણ માનસિક રોગને સીધું પાગલપનનું જ નામ આપી દેવામાં આવે છે અને વ્યક્તિ જાણે સમાજમાંથી બહિષ્કૃત થઈ ગઈ હોય તેવો અનુભવ કરાવવામાં આવે છે. આજે તો દુનિયાના શ્રેષ્ઠ મનોવિજ્ઞાનીઓ પણ માનતા થઈ ગયા છે કે પ્રેમ અને હૂંફમાં ગજબની તાકાત હોય છે.

જ્યારે વ્યક્તિને કોઈ કશું પણ કહ્યા વગર સમજી જાય અને દરેક સંજોગોમાં સાથ આપે તો તેને કોઈની જરૂર પડતી નથી. નિરાશામાંથી બહાર આવવા માટે સાથે કોઈનું હોવું બહુ જરૂરી છે. આવા સંજોગોમાં જ્યારે કોઈ ગમતી વ્યક્તિનો સાથ છૂટે કે મુશ્કેલીના આ સમયમાં હાથમાંથી હાથ છૂટે ત્યારે વ્યક્તિ એ હદે તૂટે છે કે તેને ફરી બેઠા થવામાં વર્ષો લાગી જાય છે.•

You might also like