ઉત્તમોત્તમ ભક્ત અને જ્ઞાની કવિ અખો

કાશીમાં ગંગાજીના કિનારે એક સંત મહાત્માની પર્ણકુટિ છે. પર્ણકુટિમાં સંત પોતાના પસંદ કરેલા ખાસ શિષ્યોને વેદવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપી રહ્યા છે. મધરાતનો વખત છે. ગુરુ ઉત્સાહમાં બોલે જાય છે. પણ સામે બેઠેલા શિષ્યો ઊંધનાં ઝાેકાં ખાય છે ને હોંકારો ભણી શકતા નથી. ગુરુએ કહ્યું ‘માયાનું સ્વરૂપ મેં સમજાવ્યું; હવે તમે શું સમજ્યા એ કહો!’

કંઈ જવાબ મળ્યો નહિ. ગુરુએ ફરી પ્રશ્ન કર્યો, કંઈ જવાબ નહિ. શિષ્યો ઊંધતા હતા, કોણ જવાબ આપે? ત્યારે ગુરુથી એક નિસાસો નખાઈ ગયો. એટલામાં પર્ણકુટિની બહારથી અવાજ આવ્યો કે ગુરુદેવ, આજ્ઞા કરો તો આ સેવક આપના પ્રશ્નાેનો જવાબ આપે!

ગુરુ ચમક્યા. એકદમ ઊભા થઈનેએ બહાર આવ્યા.એક મેલો ઘેલો માણસ એમના પગમાં ઢગલો થઈને પડયો ન બોલ્યો ‘ગુરુજી ક્ષમા કરો! હું રોજ છુપાઈને આપનો ઉપદેશ સાંભળું છું.’ ગુરુએ વહાલથી એને ભેટી પડી કહ્યું કે બહાર નહિ, હવે અંદર મારી સામે બેસજે! હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું.

આ ગુરુનું નામ બ્રહ્માનંદ અને તેમણે જેને શિષ્ય તરીકે સ્વીકાર્યો તે અખો ભગત. અખો બ્રાહ્મણ નથી, વૈશ્ય છે એવું જાણી આ પહેલાં ગુરુએ એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી, પણ હવે એમણે જોયું કે મારા બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાનની તરસ વધારે સાચી ને ઊંડી છે, એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડયું. અખો જ્ઞાની, વેદાન્તી બની ગયો.

અખાનો જન્મ અમદાવાદ પાસે જેતલપુર ગામમાં શ્રીમાળી સોની કુટુંબમાં આજથી લગભગ સાડી ત્રણસો વર્ષ પહેલાં થયો હતો. અખાની સોળ વરસની વયે એના પિતા એને અને એની બહેનને લઈ, જેતલપુર છોડી અમદાવાદમાં આવી વસ્યા હતા. તે પછી ચારેક વર્ષમાં પિતા ગુજરી ગયા ને પછી બહેન પણ ગુજરી ગઈ. અખો બાળપણમાં પરણેલો, તે પત્ની પણ ગુજરી ગઈ. અખો ફરી પરણ્યો. તે પત્ની પણ નિઃસંતાન ગુજરી ગઈ.

ઉપરાઉપરી આ બનાવોથી અખાનું મન વિરકત થયું. સાધુ સંતોનો સંગ તો એને પહેલેથી જ હતો. તેવામાં વળી એક બે બનાવો એવા બન્યા કે એનું દિલ સંસાર પરથી ઊઠી ગયું.

અખાને સાધુ સંતોનો સંગ તો હતો જ, પણ આ પ્રસંગોએ એની જ્ઞાનની ભૂખ વધારી દીધી. ઘરબાર બધું મેલી એ ચાલી નીકળ્યો. કુળધર્મે એ વૈષ્ણવ હતો, તેથી ગોકુલ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે એણે દીક્ષા લીધી. એ કહે છે ‘બહુ કાળ હું રોતો રહ્યો! મેં ગોકુલનાથજીને ગુરુ કર્યા અને ઘરડા બળદિયા જેવા મારા મનને નથ ઘાલી, પણ ગુરુ કરવા છતાંયે હું કો નગુરો રહ્યો!’

આ એને આત્મમંથનનો કાળ છે. જ્ઞાનની ભૂખ સંતોષવા એ કાશી ગયો. ત્યાં એ વેદવિદ્ બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય થવા ગયો, પણ પહેલાં તો સ્વામીનો એને ના પાડી, પણ પછી એની લગની જોઈ એમણે એને શિષ્ય તરીકે સ્વીકારીને વેદાન્ત વિદ્યાનું જ્ઞાન દીધું. અખામાં વૈષ્ણવ ધર્મમાંથી મળેલી ભક્તિનું ભાથું તો હતું, તેમાં જ્ઞાનનું બળ ઉમેરાયું. વૈરાગ્ય તો પહેલેથી હતો. આમ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેની સરખી સાધનાથી અખાને આત્મજ્ઞાન થયું.

એ પોતે કહે છે તેમઃ ‘આવી અચાનક હરિ પરગટ થયા!’ પછી એની વાણી ઊઘડી. એ કહે છે ‘ત્યાર પછી ઊઘડી મુજ વાણી! અચ્યુત આવ્યાનું એ એંધાણ!’ અખો તો માત્ર કઠપૂતળી છે; સૂત્રધાર નચાવે તેમ નાચે છે. કવિતા કરનાર, ગ્રંથ લખનાર આ અખો નથી, અખો તો માત્ર પ્રભુના હાથનું વાજિંત્ર છે. વગાડનારો  શ્રીહરિ છે. વાજું વાગતું દેખાય છે, પણ એ કરામત વાજાની નથી, વગાડનારની છે.

અખો ગુરુવાદનો વિરોધી નથી, પણ બાહ્ય ગુરુ કરતાં એ આત્મા ગુરુને વધારે માને છે. શાસ્ત્રનો મર્મ નહિ સમજનારા અને વ્યર્થ વાદવિવાદ કરનારા પંડિતો પ્રત્યે અખારે ભારે નફરત છે.

અખાની જ્ઞાનદૃષ્ટિ સમાજમાં પ્રવર્તતાં દંભ, અજ્ઞાન અને વહેમોની આરપાર જોઈ શકે છે. ઊંચ નીચના ભેદની વ્યર્થતા અને રામ રહીમના ભેદની પોકળતા પણ એ સમજે છે. તેથી કહે છે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન!

અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. ભક્તિ પંખી છે, ને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે. ભક્તિ ગાય છે, ને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે. ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો!

આમ અખો જ્ઞાન વૈરાગ્યનું ગૌરવ કરે છે, અને જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિને અપંગ કહેછે. એ જ જ્ઞાન વૈરાગ્યને એ ભક્તિરૂપે ગાયના વત્સ કહે છે. આમ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ત્રણેના અલગ વાડા નથી.

અખો વિદ્વાન છે, મહા અનુભવી છે. એ પ્રચલિત કહેવાતો તથા અવનવી ઉપમાઓનો પૂરા બળથી ઉપયોગ કરે છે એટલે એની વાણી ચોટદાર બને છે. કશામાં દોષો જોવાનો એનો હેતુ નથી, પણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દેખાડવું જ પડે ને? એ વિના રોગનો ઉપાય થાય કેવી રીતે?

અખાની વાણી લક્ષ્યવેધી છે. ગુજરાતી ભાષાના એ એક ઉત્તમોત્તમ કવિ છે, ઉત્તમ ભક્ત છે, ઉત્તમોત્તમ જ્ઞાની છે. ‘અખેગીતા’ ખરેખર ‘ગીતા’ નામને યોગ્ય છે. ગુજરાતી ઉપરાંત વ્રજભાષા અને હિંદીમાં પણ અખાએ કવિતા કરી છે. •

You might also like