ધો.૧૦-૧૨ની પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ, બોર્ડની અંતિમ પરીક્ષા પહેલાની મહત્વની ટેસ્ટ

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઅોમાં અાજે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેર અને જિલ્લાના હજારો વિદ્યાર્થીઅો ઉપરાંત રાજ્યભરના ૧૬ લાખથી વધુ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઅો બોર્ડની મુખ્ય પરીક્ષાના રિહર્સલ સમી ગણાતી પ્રિલિમ  પરીક્ષા અાપશે.

ધોરણ-૧૦ના વિદ્યાર્થીઅો માટે અા પરીક્ષા અગત્યની છે, કારણ કે અા પરીક્ષામાં તેમજ અગાઉ જે પ્રોજેક્ટ કર્યા હોય તેમજ અન્ય પ્રવૃત્તિ સાથે તમામના ૩૦ ટકા અન્વયે જે તે ગુણ હવે શાળા કક્ષાઅેથી બોર્ડમાં મોકલવામાં અાવશે. શિક્ષણ બોર્ડ માર્ચમાં જે પરીક્ષા લેશે તે ૧૦૦ ગુણની હશે, પરંતુ પછી તેમાં તેના ૭૦ ટકા કરીને બાકીના ૩૦ ટકા શાળાકીય કક્ષાના ઉમેરી ફાઈનલ રિઝલ્ટ અપાશે. અા પરીક્ષા બોર્ડની અંતિમ પરીક્ષાની પહેલાંની મહત્ત્વની ટેસ્ટ ગણાય છે.

બોર્ડ દ્વારા શાળાકીય પરીક્ષાઅો ફેબ્રુઅારીના પહેલા સપ્તાહના અંતે પૂરી થયા પછી કમ્પ્યૂટર, પીટી, સંગીત જેવા વિષયની ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષા શાળા કક્ષાઅે યોજાશે, તેના માર્ક્સ સાથેનો રિપોર્ટ શાળાઅો બોર્ડને મોકલશે, જે ફાઈનલ માર્કશીટમાં એડ થશે. અાંતરિક ૩૦ ગુણ અા વર્ષે શાળા કક્ષાઅેથી જ અપાશે.

અા પરીક્ષા પહેલાં બોર્ડ દ્વારા લેવાનું નિશ્ચિત થયું હતું. ૨૯ જાન્યુઅારીથી ૯ ફેબ્રુઅારી સુધી બોર્ડની પ્રિલિમ ટેસ્ટ લેવાશે. અા સિવાય ધોરણ-૧૧ માટે ૫૦ માર્ક્સની સેકન્ડ ટેસ્ટ લેવાશે. ૧૪થી ૧૭ ફેબ્રુઅારી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે, જ્યારે ૨૦ થી ૨૪ ફેબ્રુઅારી સુધી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.

માર્ચના બીજા સપ્તાહે બોર્ડ અને ૫ થી ૧૩ એપ્રિલ સુધી શાળાકીય પરીક્ષા યોજાશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ નીકળી ગયા બાદ ફરી પરીક્ષા લેવામાં અાવી રહી છે, જેમાં ૨ ફેબ્રુઅારી સુધી રૂ. ૧૦૦ની લેટ ફી સાથે વિદ્યાર્થીઅો પૂરક પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકશે.

You might also like