વિધાનસભાના સત્રનો પ્રારંભ, આવતી કાલે રાજ્યનું બજેટ રજૂ થશે

અમદાવાદ: ૧૪મી વિધાનસભાના પહેલા બજેટસત્રની આજે શરૂઆત થઇ છે. ગુજરાત વિધાનસભા પરિસરને રિનોવેશનનો નવો ટચ આપ્યા બાદ પહેલી વાર વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે. પાતળી બહુમતી અને આંતરિક અસંતોષ વચ્ચે રૂપાણી સરકાર માટે આ બજેટસત્ર એક પડકાર બની રહેશે.

સત્રના પ્રારંભ પહેલાં વડોદરા ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષપદની નિયુક્તિની ઔપચા‌િરકતા પૂરી કરાઇ હતી. આજે પહેલા દિવસે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ગૃહને સંબોધન કર્યું હતું.

લાંબા સમય પછી વિપક્ષની બેન્ચ પર મોટી સંખ્યા જોવા મળશે. આવતી કાલે આ સત્રનું પહેલું નાણાં બજેટ રજૂ થશે, જેના પર સામાન્ય લોકો સહિત વેપારી વર્ગની નજર છે.

આવતી કાલે મંગળવારે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું વર્ષ ર૦૧૮-૧૯નું પહેલું વાર્ષિક બજેટ રજૂ થશે. ર૮ માર્ચ સુધી બજેટસત્ર ચાલશે. રજાઓને બાદ કરતાં ર૭ દિવસ સુધી ગૃહનાં કામકાજ થશે. ગૃહની કુલ ર૮ બેઠક મળશે. વિધાનસભામાં વિપક્ષનું વલણ આક્રમક રહેશે.

આ બજેટસત્ર દરમ્યાન નાણાંની ધીરધાર કરનારી બાબતનું સુધારા વિધેયક, ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ વિધેયક, ખેતીની જમીનના ટુકડા અટકાવવા તેમજ તેનું એકત્રીકરણ કરવા બાબતનું સુધારા વિધેયક સહિતનાં ૮ જેટલા કાયદામાં સુધારા કરતાં વિધેયક રજૂ થશે.

દલિતોને ન્યાયનો મુદ્દો, ખેડૂતોની ખેતપેદાશના અપૂરતા ભાવ, સિંચાઇની સુવિધાનો અભાવ, નર્મદાનાં પાણીની સંભવિત તંગી, શિક્ષણ, જીએસટી અને આરોગ્યના મુદ્દે વિપક્ષ દ્વારા ગૃહની કામગીરી તોફાની બની રહેશે.

You might also like