શરૂઆત વિકટ હોય, પણ હિંમત ન હારવી

સાંદીપનિની શરૂઆત નાની હતી. આજે ગંગાસાગરના રૂપમાં જોઈ આનંદની અનુભૂતિ થાય છે કોઈ પણ કાર્યમાં સો કૌરવોને જોઈ નિરાશ ન થાવ. પાંચ પાંડવોને જોઈ આશાવાદી બનો.  કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હંમેશાં નાની હોય છે. પછી ધીરે ધીરે તે બીજ વટવૃક્ષ બને છે જેમ ગંગા જ્યારે ગૌમુખમાંથી પ્રગટ થાય છે ત્યારે તેનું સ્વરૂપ અલગ હોય છે અને જ્યારે એ ઘૂઘવતા સાગરને મળે છે ત્યારે ગંગાસાગરનું સ્વરૂપ કંઈક જુદું જ હોય છે. આવો જ કંઈક શુભ સંયોગ બન્યો હતો સુદામાપુરીમાં સાંદીપનિ સંસ્થાની શરૂઆત માટે. આજે નવા વર્ષના આરંભે અહીં વાત કરવી છે સાંદીપનિની શુભ શરૂઆત કેવી રીતે થઈ હતી.

પોરબંદરમાં આજે જે સાંદીપનિ વિદ્યા નિકેતન સેવા અને શિક્ષણના એક વટવૃક્ષ સમી સંસ્થા કાર્યરત છે તેની શરૂઆત ખૂબ નાના પાયે અને કપરા સંજોગોમાં ૧૯૮૩માં થઈ હતી. ૧૯૮૩ના એ સમયમાં કેટલાક શિક્ષકો અને વિધાર્થીઓ ફરતા ફરતા પોરબંદરમાં ચાલતી એક પાઠશાળામાં આવ્યા હતા. જેમાં અધ્યયન અને અધ્યાપનનંુ કામ ચાલતું હતું, પણ કોઈ કારણોસર આ પાઠશાળા બંધ થઈ અને બાળકો નિરાધાર બન્યાં હતાં એટલે તેઓ એક આશ્રમની શોધમાં હતા. દરમિયાન તેઓ સુદામાપુરીમાં આવ્યા અને એ વખતે અમારા કેટલાક સેવકોએ ભેગા થઈ પોરબંદરની બાજુમાં બાબડા ગામની જૂની એક જગ્યા હતી તે સરકાર પાસેથી ટોકન ભાડે માગી સરકારે પણ સહયોગ આપ્યો અને આ જગ્યા પર અધ્યયન અને અધ્યાપનનું કાર્ય શરૂ થયું.

એ સમયે આ સંસ્થામાં સગવડોના નામે માત્ર દીવાલો અને તૂટેલું છાપરું હતું. નીચે પાથરણાં પાથરીને વિદ્યાર્થીઓ સૂઈ જતા હતા. આસપાસનાં ગામોમાંથી લોકો દાણા-પાણી આપતાં હતાં, રસોઈ થતી હતી, રોટલીઓ ગણાતી હતી અને માથાંઓ ગણાતાં હતાં. ભગવાનને પ્રસાદ ધરાયા બાદ ભાગે પડતી રોટલીઓ વિધાર્થીઓ અને શિક્ષકો ખાતા હતા અને પેટ ખાલી રહેતું તો પાણી પી લેતા હતા. આવી ખૂબ વિકટ સ્થિતિમાં આ સંસ્થા ચાલતી હતી. શિક્ષકો પગાર કે દક્ષિણા લેતા ન હતા. ખરા, અર્થમાં એ વિદ્યાદાન કરતા હતા. બાદમાં આ સંસ્થાના લોકો ૧૯૮૪માં મને મળવા માટે આવ્યા હતા. હું તેમની સંસ્થામાં ગયો, તેમનું કામ જોયું, તેમની કર્તવ્યનિષ્ઠા જોઈ અને પ્રભુની પ્રેરણાથી અમે આ કાર્ય હાથમાં લીધું. ધીરે ધીરે લોકોનો સહયોગ વધતો ગયો. સંસ્થાનું કાર્ય વધતું ગયું. સાથે વિધાર્થીઓની સંખ્યા પણ વધતી ગઈ અને એક મોટી જગ્યાની આવશ્યકતા ઊભી થઈ હતી.

દરમિયાન પોરબંદરમાં હાલ સાંદીપનિની જેે જગ્યા છે તે સ્થળે એ સમયે ગૌશાળા ચાલતી હતી, તેનું સંચાલન એક ટ્રસ્ટ કરતું હતું. ટ્રસ્ટથી ગાયો સચવાતી ન હતી. ટ્રસ્ટીઓએ પણ ભાઈશ્રી અને તેમની સંસ્થા આ ગૌશાળા અને જગ્યા સંભાળે તો આપવા તૈયારી બતાવી હતી. સરકારનો સહયોગ મળ્યો અને ૧૯૮૪ના સમયમાં ગૌસેવાથી સાંદીપનિની અહીં શરૂઆત થઈ હતી. ધીરે ધીરે અહીં પાઠશાળા શરૂ કરવામાં આવી. શ્રી હરિનું મંદિર બન્યું. અનેક લોકો અહીં આવી આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. સમયાંતરે સંસ્થામાં મેડિકલ કેમ્પ કરવામાં આવે છે. આ ઉપરાંત કુદરતી આફતોના સમયમાં સાંદીપનિ દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવે છે. સાંદીપનિનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું અને તેના પ્રચાર-પ્રસારનું છે. ઋષિકુળ અને ગુરુકુળમાં હાલ આશરે ર,૦૦૦ બાળકો છે તેમનાં રહેવા-જમવા અને અધ્યયનનું કાર્ય સંસ્થા સંભાળે છે. એક નાના પાયે શરૂ થયેલું કાર્ય હાલ ગંગાસાગર સમું બન્યું છે અમે તેનાં દર્શન કરી આનંદની અનુભૂતિ કરીએ છીએ. અમારા માટે આ વિદ્યાતીર્થ છે.

શરૂઆત ભલે વિકટભરી અને પડકારોવાળી હોય પણ વ્યક્તિએ ક્યારેય હિંમત હારવી ન જોઈએ. સો કૌરવો સામે હોય તો પણ નિરાશ ન બનો. પાંચ પાંડવોની સામે જોઈ આશાવાદી બનો. કેટલાય લોકો મંદિર કે મસ્જિદ જતાં નથી. ભલે માણસને કદાચ ઈશ્વરની જરૂર ન પડે, પણ માણસને માણસની જરૂર તો પડવાની જ છે. એટલે આવો કોઈ અહંકાર કરવો ન જોઈએ. સાધુ જીવનની વાત કરું તો સાધુ એ સમાજ પ્રત્યે સમર્પિત છે, સાધુ એ સમાજની મૂડી છે, કોઈ જવાબદારી નથી.

રમેશભાઈ ઓઝા
(શબ્દાંકનઃ દેવેન્દ્ર જાની)

You might also like