બેન્કમાં આગ બુઝાઈ ત્યારે તસ્કરોએ કરેલી ચોરી જાણીને થયું આશ્ચર્ય !!!

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં બે દિવસ પહેલા દેના બેંકમાં લાગેલી આગ કુદરતી નહીં પરંતુ તસ્કરોએ લગાવેલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તસ્કરો બાથરૂમના  વેન્ટેલિટરના સ‌િળયા તોડીને બેંકમાં ઘૂસ્યા હતા અને સિક્યોરિટીની ગાર્ડની ડબલ બેરલ બાર બોરની બંદૂક ચોરી કરી હતી ત્યારબાદ તિજોરી તોડવાની કોશિષ કરી હતી જોકે તિજોરી નહીં તૂટતાં તસ્કરો બેંકમાં આગ લગાવીને ફરાર થઇ ગયા હતા. બેંકમાં આગ બુઝાઇ ત્યારે સિક્યોરિટીની બંદૂક ગાયબ હોતાં સમગ્ર મામલે સામે આવ્યો છે.

કુબેરનગર વિસ્તારમાં આવેલ ભગવતીનગર રોહાઉસમાં રહેતા અને દેના બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કિરીટભાઇ ચીમનલાલ સોલંકીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલ દીપિકા ટાવરની સામે ઘીયાનગર સોસાયટીમાં દેના બેંક આવેલી છે. બેંકમાં શનિવાર અને રવિવારની રજા હોવાથી બેંક બે દિવસ બંધ હતી. સોમવારના દિવસે બેંકમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી ફાયર‌િબ્રગેડની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બેંકમાં આગ લાગવાથી સીસીટીવી બોક્સ, જૂના વાઉચરો તેમજ હાઉસિંગ લોનના ડિપાર્ટમેન્ટને નુકસાન પહોંચ્યું હતું.

આગ બુઝાઇ જતાં બેંકના કર્મચારીઓ સાફસફાઇ કરતા હતા તે સમયે બેંકના સિક્યોરિટી ગાર્ડ પ્રેમનાથ દાણી મેનેજર કીરીટભાઇ પાસે આવ્યા હતા અને બંદૂક ગાયબ હોવાની જાણ કરી હતી. તારીખ 24ના રોજ બેંક બંધ થતાં પહેલાં પ્રેમનાથ દાણીએ તેમની લાયસન્સવાળી ડબલ બેરલ બાર બાર બોરની બંદૂક બેરટી રૂમમાં આવેલ ગનબોક્સમાં લોક કરીને મૂકી હતી.

સોમવારે પ્રેમનાથ બંદૂક લેવા માટે ગયા ત્યારે ગનબોક્સની જાળી તૂટેલી હતી. સિક્યોરિટી ગાર્ડની બંદૂક ગાયબ થતા મેનેજરે પોલીસને જાણ કરી હતી. નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાથરૂમના વેન્ટિલેટરની જાળી તોડીને તસ્કરો બેંકમાં આવ્યા હતા અને સિક્યોરિટી ગાર્ડની બંદૂક ચોરી કર્યા બાદ સોનાના દાગીના ભરેલી તિજોરી તોડવાની કોશિષ કરી હતી.

તિજોરી નહી તૂટતા તેમને બેંકમાં આગ લગાવીને નાસી છૂટ્યા હતા. નરોડા પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં બેંકમાં ચોરી કરવા બદલ ફરિયાદ નોંધી છે.

You might also like