રવીન્દ્ર જાડેજા પરનો પ્રતિબંધ કુલદીપ માટે લોટરી સમાન

કોલંબોઃ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાનો કોલંબો ટેસ્ટમાં ઇનિંગ્સ અને ૫૩ રનથી હરાવીને ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. હવે ભારતની નજર ક્લીન સ્વિપ પર છે. ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આઇસીસીએ એક ટેસ્ટ માટે સસ્પેન્ડ કરી દીધો છે. હવે ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટ મેચ માટે બોલિંગ આક્રમણમાં નવી રણનીતિ બનાવવી પડશે.

જાડેજા પરનો પ્રતિબંધ કુલદીપ યાદવ માટે લોટરી સમાન બની રહે તેવી શક્યતા છે. કુલદીપે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ટેસ્ટ મેચ, એક ટી-૨૦ મેચ અને પાંચ વન ડે રમી છે. ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં યાદવે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘણા પરેશાન કર્યા અને પહેલી ઇનિંગ્સમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી.

પલ્લેકલની પીચને જોતાં વિરાટ કોહલી ઓલરાઉન્ડર જાડેજાના સ્થાને લેફ્ટ આર્મ ચાઇનામેન બોલર કુલદીપ યાદવને ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. કુલદીપના સ્પિન થતા બોલ શ્રીલંકન બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. શ્રીલંકાના બેટ્સમેન હજુ સુધી ક્યારેય કુલદીપની સામે રમ્યા નથી. આ રીતે પણ યાદવ ત્રીજી ટેસ્ટમાં શ્રીલંકન બેટ્સમેનો માટે માથાનો દુખાવો બની શકે છે.

http://sambhaavnews.com/

You might also like