સુપ્રીમ કોર્ટ પણ સમજે છે કે ‘અયોધ્યા વિવાદ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો કેસ છે’

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજથી પાંચ જજની બંધારણીય બેન્ચે અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી શરૂ કરી છે ત્યારે કાયદાકીય નિષ્ણાતો માને છે કે નવી બેન્ચનું ગઠન સ્પષ્ટ દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટ આ કેસને સામાન્ય જમીન વિવાદની જેમ જોતી નથી. કોર્ટ આ કેસ સંબંધિત તમામ બંધારણીય પાસાંઓની સમીક્ષા કરવા પણ ઈચ્છે છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ કેસને સામાન્ય જમીન વિવાદ માનવાના બદલે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કેસ તરીકે જ જોવામાં આવ્યો છે.

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કરોડો લોકોના ધર્મ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલો કેસ પણ છે. આથી તેના બંધારણીય પાસાંઓની સમીક્ષા પણ એટલી જ જરૂરી બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી ઝડપથી હાથ ધરાશે અને તેનો ચુકાદો પણ જલ્દી આવી જશે.

બંધારણીય બેન્ચ તમામ પક્ષોની રજૂઆત-દલીલનો સમય નક્કી કરી દે અને સાથે જ સુનાવણી પૂર્ણ કરવાની તારીખ પણ નક્કી કરી નાખે તો આ કેસનો ચુકાદો આગામી ત્રણથી ચાર મહિનામાં જ આવી જશે. કાયદાના જાણકારો અનુસાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થવાના છે. એ પહેલાં અયોધ્યા કેસનો ચુકાદો આવી જાય તેવી શક્યતા છે.

મુસ્લિમ પક્ષના વકીલ એજાઝ મકબૂલે જણાવ્યું કે કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોના અનુવાદનું કામ પૂરું થઈ ગયું છે. તમામ દસ્તાવેજો અને હાઈકોર્ટના રેકોર્ડની પાંચ જજના હિસાબે કોપી પણ તૈયાર કરી લેવામાં આવી છે. આવા સંજોગોમાં જો બેન્ચ ઈચ્છે તો ત્વરિત સુનાવણી શરૂ કરી શકે છે. આજે સુપ્રીમ કોર્ટ સૌથી પહેલાં તો કેસ સાથે જોડાયેલા અગત્યના સવાલો નક્કી કરશે અને ત્યાર બાદ આ સવાલો પર દલીલો રજૂ કરવામાં આવશે અને બાદમાં ચુકાદો જાહેર કરાશે.

અયોધ્યા કેસના મુસ્લિમ પક્ષકાર હાજી મહેબૂબે જણાવ્યું કે વિવાદિત જમીન કેસની સુનાવણી કરનારા પાંચ જજની બેન્ચમાં એક મુસ્લિમ જજ પણ રાખવાની જરૂર હતી. હાજી મહેબૂબની માગણીને જોકે મુસ્લિમ પક્ષકારના વકીલ અને બાબરી મસ્જિદ એક્શન કમિટિ (બીએમએસી)ના સંયોજક ઝફરયાબ જિલાનીએ અયોગ્ય ગણાવી છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ પાંચ જજની બેન્ચ બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

You might also like