જુગાર રમવા પૈસા ના આપતાં પિતા-પુત્રોનો યુવક પર હુમલો

અમદાવાદઃ શહેરના જૂના વાડજ વિસ્તારના સોરાબજી કમ્પાઉન્ડમાં ગત સાંજે જાહેરમાં પિતા-પુત્રોએ ભેગા મળી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકે જુગાર રમવા પૈસા ના આપતાં ત્રણેય ભેગા મળી યુવકને છરીના ઘા મારી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. વાડજ પોલીસે પિતા-પુત્રો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ જૂના વાડજ સોરાબજી કમ્પાઉન્ડમાં આવેલા ઉત્તમનગરમાં દુર્ગેશભાઇ તેજવાણી રહે છે. સોરાબજી કમ્પાઉન્ડમાં જ આવેલ ઝુલેલાલ મંદિર પાસે રહેતા દીપક ઉર્ફે દીપુ નારણદાસે દુર્ગેશભાઇના પુત્ર અશોક પાસે જુગાર રમવા માટે પૈસા માગ્યા હતા.

અશોકે જુગાર રમવા માટે પૈસા આપવાની ના પાડતાં દીપક ઉશ્કેરાયો હતો અને બોલાચાલી કરી હતી. દરમ્યાનમાં દીપકના ભાઇ રાજેશ અને પિતા નારણદાસ પણ દોડી આવ્યા હતા. ત્રણેયે ભેગા મળીને અશોકના પેટમાં ત્રણ છરીના ઘા મારી દીધા હતા. ઉપરાંત મોઢા પર પણ એક ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. લોકોનાં ટોળાં ભેગાં થઇ જતાં પિતા-પુત્રો નાસી છૂટ્યા હતા.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત અશોકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. વાડજ પોલીસને જાણ કરાતાં વાડજ પોલીસ દોડી આવી હતી. પોલીસે પિતા-પુત્રો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ત્રણેયને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like