રાજીવ સાતવનું આગમન પણ મોઢવાડિયા મળવાના મૂડમાં નથી

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં એક તરક લોકસભાની તમામે તમામ ૨૬ બેઠકને જીતવાના દાવા થઈ રહ્યા છે તો બીજી તરફ જૂથવાદ શાંત પડતો નથી. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીથી નારાજ પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવા‌િડયા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને મળવાના મૂડમાં ન હોઈ આ બાબત કોંગ્રેસનાં વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે.

આજથી પક્ષના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે રાજીવ ગાંધી ભવન પ્રદેશ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં બેઠકોનો દોર આરંભ્યો છે. જે તે લોકસભા બેઠકના ઈન્ચાર્જ સાથે બેઠક કરીને તેઓ ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા કરશે.

પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ નારાજ અગ્રણીઓ સાથે બેઠક યોજીને તેમના અસંતોષને શાંત પાડશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસના આધારભૂત વર્તુળો કહે છે, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોડવાડિયાની રાજીવ સાતવ સાથે કોઈ બેઠક યોજાવાની નથી.

તેઓ હાલમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારના પ્રવાસે છે. આ સૂત્રો તો એમ પણ કહે છે કે ગુજરાતમાં લોકસભાની બેઠકના સંભવિત ઉમેદવારની પસંદગી માટે આવેલા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આ દિવસોમાં અર્જુન મોઢવાડિયા પ્રદેશ કાર્યાલયમાં મુલાકાત કરે તેવી તો કોઈ શક્યતા અત્યારના માહોલને જોતાં લાગતી નથી.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તેઓ હાલ પોરબંદરના ગામડાંના પ્રવાસે છે. હાલ રાજીવ સાતવને મળવાનું કોઈ આયોજન નથી.  તાજેતરમાં અરવલ્લી ખાતેના એક કાર્યક્રમમાં આવેલા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સંસદસભ્ય અહમદ પટેલ સમક્ષ અર્જુન મોઢવાડિયાએ પણ નેતૃત્વ સામેની પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
જોકે પક્ષના આંતરિક જૂથવાદમાં શહેરના એક ધારાસભ્યના વાઈરલ થયેલા વીડિયોએ પણ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ ધારાસભ્યે વીડિયોમાં પક્ષના વરિષ્ઠ અગ્રણીઓની ઝાટકણી કાઢી છે.

દરમિયાન પ્રદેશ પ્રવકતા મનીષ દોશીને રાજીવ સાતવની મુલાકાત અંગે પૂછતાં તેઓ કહે છે, તેઓ એક પણ નારાજ અગ્રણી સાથે બેઠક કરવાના નથી. રાજીવ સાતવ આવતી કાલ સાંજ સુધી લોકસભાની બેઠકના તમામ ઇનચાર્જે સાથે વારાફરતી બેઠક કરશે.

You might also like