વઢવાણા તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું

ડભોઈ: ડભોઈ તાલુકાના વઢવાણા ગામે સો વર્ષ પુરાણું વઢવાણા સિંચાઈ તળાવમાં ઠંડી શરૃ થતાં સંખ્યાબંધ દેશોના ઠંડા દેશો કે જેઓ ઠંડીની સાથે ભારે બરફ વર્ષાનો પ્રારંભ થતાં જ હજારો કિલોમીટર અંતર ઉડીને અહીં વર્ષોથી આવતા રહયા છે. દિવસે તળાવના પાણીની શીતળતા અને આસપાસ ખેતરોમાં વિલાયતી પક્ષી મહેમાનો આનંદ કિલ્લોલ કરતા પક્ષીઓનો નજારો પ્રત્યક્ષ જોવામાં અનેરો આનંદ આવે છે. શિયાળાની શરૃઆત થતાં જ દેશી વિદેશી પક્ષીઓનું વઢવાણા તળાવે આગમન થઈ રહયું છે.

એક સો વર્ષ ઉપરાંતે ગાયકવાડ સરકારના શાસનમાં ડભોઈ અને સંખેડા તાલુકાના ૨૨ ગામોના ૧૦૦૦ વિઘા જમીનોમાં સિંચાઈની વ્યવસ્થા દ્વારા વ્યાપક પ્રમાણમાં ખેતી કરવા વઢવાણા સિંચાઈ તળાવ ખોદાવ્યું હતું. ચોમાસામાં આ તળાવમાં પાણી વ્યાપક પ્રમાણમાં રહે છે. શિયાળાની ઋતુમાં તળાવમાં પાણી ઓછું થાય છે તેની આસપાસના ખેતરોમાં વનરાજી અને ઝાડી તથા ફુલફળો હોય છે. આ તળાવમાં શિયાળાની ઋતુ બેસતા ચીન, ઈન્ડોનેશીયા-આફ્રિકા, મલેશિયા, નાઈજીરીયા તેમજ હિમાલય પર્વત તરફથી વઢવાણા ખાતે પક્ષીઓ આવે છે.

જેમાં ગાજહંસ, રાજહંસ, ભગવી સુખોળ પીયાસન, સીંગપર, ગયના, કાળટીકારટીયા,કુંજ, કરકરા જેવા જોવાલાયક સુંદર વિવિધ જાતના પક્ષીઓનો મેળાવડો અહીં ભરાય છે. ૧૦૦ થી ૧૫૦ જાતના પક્ષીઓના કલરવથી ગૂંજતું વઢવાણા તળાવ પક્ષી પ્રેમી પર્યટકો માટે અદ્ભૂત સ્થળ  વર્ષોથી બની રહયું છેે. વિદેશોના ઠંડા દેશોમાં ભારે ઠંડી અને બરફ વર્ષા થતી હોય છે. તેનાથી બચવા વિદેશી પક્ષીઓ ગરમ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે. જેથી આ પક્ષીઓ ભારત, પાકિસ્તાન શ્રીલંકા જેવા ગરમ પ્રદેશ તરફ આગમન કરે છે. જેથી વિદેશી જેવા રમણીય વાતાવરણ વઢવાણા સિંચાઈ તળાવ હોવાથી હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓના ઝુંડ ઉતરી પડે છેે. હજારો કિલોમીટરનું અંતર ઉડીને વઢવાણા પક્ષીધામમાં આવી પહોંચે છે.

આ પક્ષીઓ તળાવના પાણી પર કિલ્લોલ કરતા અને આસપાસ વનરાજીમાં ચરતા રહી આનંદમય જીવન જીવતા હોય છે. ઉનાળાની ગરમી શરૂ થતાં વિલાયતી પક્ષીઓ પોતાના દેશ તરફ રવાના થવાનો પ્રારંભ કરે છે. વિલાયતી પક્ષીઓની દિનચર્યા અને કિલ્લોલ કરતા હોય તેને જોવા મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમી ઉતરી પડે છે. જેમાં આકર્ષણ કેન્દ્ર હંસરાજ, ફલેમિંગો સહિત અનેક પક્ષી આવે છે. સારસ તેમજ કાળીચાંચના ઢોક પણ અહીંયા જોવા મળે છે.

વન વિભાગે બાયનોકયુલર અને ગાઈડની વ્યવસ્થા કરવામાં આવે છે વધારે પડતા રજાના દિવસે રવિવારે પક્ષી પ્રેમીઓના ટોળા ઉમટી પડે છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આવે છે. સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના લોકો પ્રત્યક્ષ નજારો નિહાળે છે.

You might also like