ભૈયુજી મહારાજને બ્લેકમેલ કરનારી પલક અને બે સાગરીતોની ધરપકડ

ઇન્દોર: હાઇ પ્રોફાઇલ આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજના મૃત્યુના સાત માસ જૂના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય સેવાદાર વિનાયક દુધાલે, શરદ દેશમુખ અને રપ વર્ષીય પલક પુરાણિક નામની યુવતીની આઇપીસીની કલમ-૩૦૬, ૩૮૪ અને ૩૪ હેઠળ ધરપકડ કરી છે.

ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આ પ્રથમ ધરપકડ છે. અહેવાલો અનુસાર પલકે પ્રેમસંબંધ બાંધીને લાખો રૂપિયા પડાવ્યા હતા. પલકે ભૈયુજી મહારાજનો અશ્લીલ વીડિયો તૈયાર કર્યો હતો, જ્યારે વિનાયક તેમને નશીલી દવાઓ ખવડાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ભૈયુજી મહારાજે ગયા વર્ષે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી.

ભૈયુજી મહારાજની બીજી પત્ની આયુષીએ એવો આક્ષેપ કર્યો હતો કે તેના પતિને પલક પુરાણિક, સેવાદાર વિનાયક દુધાલે અને શરદ દેશમુખ બ્લેકમેલ કરી રહ્યા હતા. મહારાજે તેમના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. ભૈયુજી મહારાજની પ્રથમ પત્ની માધવીના અવસાન બાદ પલકે તેમના જીવનમાં કેરટેકર તરીકે એન્ટ્રી કરી હતી.

પલકે ભૈયુજી મહારાજ સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો અને તેમના બેડરૂમમાં જ રહેતી હતી. પલકે ભૈયુજી મહારાજનો અશ્લીલ વીડિયો પણ તૈયાર કર્યો હતો. આ દરમિયાન ભૈયુજી મહારાજે આયુષી સાથે ૧૭ એપ્રિલ, ર૦૧૭ના રોજ બીજાં લગ્ન કરી લીધાં હતાં.

પલકને તેની જાણ થતાં તેણે ભૈયુજી મહારાજને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન પલકે ભૈયુજી મહારાજ પાસેથી રૂ.રપ લાખ પડાવ્યા હતા. બ્લેકમેલિંગનું ષડ્યંત્ર રચનાર સેવાદાર વિનાયક અને શરદ બંને પલકને ઉશ્કેરતા હતા અને ભૈયુજી મહારાજને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપતા હતા. વિનાયક પણ આ રીતે પૈસા પડાવતો હતો.

ભૈયુજી મહારાજને અનેક બીમારીઓ હતો અને વિનાયક અને પલક તેમને નશીલી દવાઓ ખવડાવતાં હતાં. ભૈયુજી મહારાજે પોતાની આત્મહત્યા નોંધમાં પોતાના નાણાકીય વારસદાર, સંપત્તિ, બેન્ક ખાતાં અને સંબંધિત કેસમાં સહી કરવાનો હક શરદ દુધાલેને સોંપવાનો ઉલ્લેખ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ભૈયુજી મહારાજે ૧ર જૂનના રોજ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ભૈયુજી મહારાજના ઘરેથી નાનકડી ડાયરીના પાના પર લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી.

You might also like