લીંબડી હાઇવે પર બનાવનો પર્દાફાશ : પેટ્રોલ પમ્પના માલિકની હત્યામાં સંડોવાયેલા શખસની ધરપકડ

અમદાવાદ: લીંબડી-રાજકોટ હાઇવે પર બલદાણા નજીકના ખેતરમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલ પેટ્રોલ પમ્પના માલિકની લાશના બનાવનો પોલીસે ભેદ ઉકેલી કાઢી એક શખસની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ બે દિવસ પહેલાં લીંબડી હાઇવે પર બલદાણા નજીક પેટ્રોલ પમ્પ ધરાવતા લાલુભા અસવારનો મૃતદેહ ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના તળીયાફળી ગામનો શખસ ભૂરો જુજારભાઇ બંડેથીયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન લાલુભા અસવારે ભૂરાના ફુવા રમેશને રૂ.૩ લાખની રકમ આપી હતી. આ શખસ છેલ્લા કેટલાક વખતથી લાલુભાની વાડીમાં કામ કરતો હતો.

આ રકમ પરત ન મળતાં લાલુભાએ ઉઘરાણી કરી હતી અને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જેની અદાવત રાખી ભૂરાએ લાલુભાની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like