ટ્રમ્પના નિર્ણય પર આરબ જગતમાં ભડકોઃ હિંસામાં બે પેલેસ્ટાઈનીનાં મોત

જેરુસાલેમ: આંતરરાષ્ટ્રીય સમુદાયની તમામ ચેતવણીઓની ઉપેક્ષા કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે જેરુસાલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે હવે આરબ જગતમાં ભડકો થયો છે. અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કરી રહેલા પેલેસ્ટાઈની દેખાવકારો અને ઈઝરાયેલી સુરક્ષા દળો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં પેલેસ્ટાઈનના બે નાગરિકોનાં મોત થયાં છે.

જુમ્માની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ જોર્ડનથી લઈને ઈન્ડોનેશિયાની સડકો પર બહાર આવીને આ નિર્ણય વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા. અમેરિકાના આ નિર્ણયથી સમગ્ર આરબ જગતમાં ભડકો થયો છે અને આરબ લીગે આજે સભ્ય દેશની ઈમર્જન્સી બેઠક બોલાવી છે. માત્ર મુસ્લિમ દેશ જ નહીં પરંતુ પશ્ચિમના દેશ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલર્સને જણાવ્યું હતું કે અમેરિકન દૂતાવાસને ઓછામાં ઓછા બે વર્ષ સુધી જેરુસાલેમ લાવવામાં આવશે નહીં.

દેખાવકારોએ પોતાનો રોષ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઈઝરાયેલ અને અમેરિકાના ધ્વજ સળગાવ્યા હતા અને ટ્રમ્પનાં પોસ્ટરોને પગ તળે કચડી નાખ્યાં હતાં. પશ્ચિમી તટ પર દેખાવકારોએ મોટી સંખ્યામાં ટાયરો સળગાવતાં રામ લલ્લા અને બેથલેહમ પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

પેલેસ્ટાઈની પથરબાજો રસ્તા પર આવી ગયા હતા. ઈઝરાયેલી સુરક્ષા દળોએ અશ્રુવાયુના સેલ અને રબરની બુલેટ્સ છોડી હતી. ગાઝા અને ઈઝરાયેલની સરહદે પણ અથડામણો થઈ હતી. રેડ ક્રેસન્ટ પેરામેડિક્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ પેલેસ્ટાઈનો જીવતી કારતૂસોથી જખમી થયા હતા અને બારને રબર પેલેટ્સથી ઈજા થઈ હતી. ટીયરગેસના કારણે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.

અમેરિકાનાં કેટલાંય સાથી રાષ્ટ્રો અને ભાગીદારોએ પણ આ વિવાદાસ્પદ નિર્ણયને વખોડી કાઢ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ સૈયબ એર્દોઆને ચેતવણી આપી છે કે તેનાથી સમગ્ર પ્રદેશ આગના ગોળામાં ફેરવાઈ જશે, જ્યારે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુએ ટ્રમ્પની પ્રશંસા કરતાં આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.

You might also like