AMCનું કરબોજ વિનાનું બજેટ આઠ હજાર કરોડને આંબી ગયું

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા આજે સવારે આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ. ૮૦૫૧ કરોડનું સુધારિત બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું હતું. શાસકોના બજેટમાં નવા કરવેરાની કોઈ દરખાસ્ત નથી, પરંતુ અપેક્ષા મુજબ શાહીબાગ ડફનાળા, મણિનગર રેલવે ક્રોસિંગ અને નરોડા ગેલેક્સી ખાતે નવા ફ્લાય ઓવરબ્રિજ કે રેલવે ઓવરબ્રિજનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા રૂ. ૩૦ કરોડની ફાળવણી કરાઈ છે.

લાંભાના બળિયાદેવ મંદિર વિસ્તારનું ડેવલપમેન્ટ, પ્રેમાભાઈ હોલને પુનઃ ધમધમતો કરવો, મોડલ રોડ માટે રૂ. ૩૦ કરોડની ફાળવણી, માણેકચોક રિડેવલપમેન્ટ પ્લાન માટે રૂ. પાંચ કરોડની જોગવાઈ સહિતનાં વિકાસકામોના વિવિધરંગી આયોજનને બજેટમાં દર્શાવીને શાસક પક્ષે તેને ફૂલગુલાબી બનાવ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પદભાર સંભાળ્યા બાદ પોતાનું સૌપ્રથમ સુધારિત બજેટ રજૂ કરાયું હતું. આ સુધારિત બજેટમાં અમૂલ ભટ્ટે અગાઉના ચેરમેનની જેમ પોતાના બજેટમાં શહેરની કાયાપલટ કરવાની સાથે-સાથે વિકાસયાત્રાને રોકેટગતિએ આગળ લઈ જવાનું આયોજન કરાયું હોવાનો દાવો કર્યો છે.

નાગરિકો દ્વારા આપવામાં આવેલા વિવિધ વેરાનું વળતર નવા-નવા પ્રોજેક્ટ દ્વારા આપીને આ બજેટ માત્ર આંકડાની માયાજાળ નથી તેમ જણાવતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ડ્રાફ્ટ બજેટમાં રૂ. ૫૪૨ કરોડનો વધારો કરાયો છે.

શાસકોના સુધારિત બજેટમાં નવા ફ્લાય ઓવરબ્રિજ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં અગાઉના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા રૂ. ૬૯૯૦ કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જોકે છેલ્લાં દશ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં જંગી વધારો થયો છે.

ગત નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૨૪૫૧ કરોડ, વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ, ૩૩૩૫ કરોડ, વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ. ૪૧૮૫ કરોડનું બજેટ વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૫૩૫૦ કરોડે પહોંચ્યું હતું, જે હવે વધીને રૂ. ૮૦૦૦ કરોડને સ્પર્શી ગયું છે, જોકે દર વર્ષે બજેટની મોટા ભાગની દરખાસ્તો ‘કાગળ’ પર રહેતી હોઇ નાગરિકો માટે તો એકંદરે છેતરામણું કહો કે હથેળીમાં ચાંદ બતાવનારું આભાસી બજેટ બનતું હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાતું રહે છે.

શાસક ભાજપનું સુધારિત બજેટ આજે રજૂ કરાયા બાદ આગામી તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી એમ બે દિવસ માટે બજેટસત્ર યોજાય એવી શક્યતા છે. આ વખતે પણ બજેટસત્રને લંબાવવાની માગણી વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરાઈ છે, જેને હજુ સુધી શાસકો દ્વારા સાનુકૂળ પ્રતિસાદ અપાયો નથી.

દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા કહે છે, હે‌િરટેજ સિટી પ્રવેશદ્વાર, સિટી બ્યુટિફિકેશન, સ્માર્ટ લાઈટિંગ સિસ્ટમ, ગામતળનો વિકાસ, વોલ-ટુ-વોલ રોડ, મુખ્યાલયમાં ઓટોમેટિક કાર પાર્કિંગની સુવિધા, કાંકરિયા ખાતે ફિશ એક્વેરિયમ, સન્ડે સખીહાટ સહિતના ચાલુ વર્ષના બજેટના અનેક ઠરાવ, આજ‌િદન સુધી પોથીમાંનાં રીંગણાં પુરવાર થયા છે. એકંદરે શાસકોનાં ફૂલગુલાબી બજેટ તો લોકોની આંખમાં ધૂળ નાખનારું હોય છે.

બજેટની હાઇલાઇટ્સ…
• પ્રોપર્ટી ટેકસના દર યથાવત.
• મણિનગર રેલવે ક્રોસિંગ, ગેલેકસી નરોડા અને શાહીબાગ ડફનાળા ખાતે ફલાઇઓવર બ્રિજ.
• ઇલેક્ટ્રીક વાહનોને વાહનવેરામાં સો ટકા રાહત.
• ધાર્મિક પ્રસંગે કાચા મંડપ ફીમાંથી મુક્તિ.
• છ મોડલ રોડ ડેવલપમેન્ટ.
• લાલદરવાજા, માણેકચોક રિ-ડેવલપમેન્ટ માટે રૂ. પાંચ કરોડ ફાળવાયા.
• શારદાબહેન હોસ્પિટલના નવીનીકરણ માટે રૂ.૧૦ કરોડ.
• ઇન્ફ્રા મોડલ ટ્રાન્સપોર્ટ હબ.
• દર્દીના સગાને હોસ્પિટલમાં માત્ર રૂ.દસમાં ભોજન.
• એલ.જી. હોસ્પિટલ ખાતે આઇવીએફ, સુપર સ્પેશ્યાલિટી સારવારની સુવિધા.
• ચેરીટેબલ ટ્રસ્ટના ફિઝીયો થેરાપી સેન્ટરને ટેક્સમાં ૭૦ ટકા રિબેટ.
• મ્યુનિ. બિલ્ડિંગમાં ચાલતા ટ્રસ્ટના દવાખાનાને ટેકસમાં ૭૦ ટકા રિબેટ.
• સ્લમ સિટી બનાવવા એકશન પ્લાન.
• નવા પશ્ચિમ ઝોન ખાતે હોટમિકસ પ્લાન્ટ, મેટલ ડેપો.
• અમદાવાદ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ સેન્ટર.
• એનિમલ હોસ્ટેલ, એનિમલ હોસ્પિટલ, એનિમલ રેસ્ક્યુ સેન્ટર માટે રૂ. પાંચ કરોડની ફાળવણી.
• સ્પોર્ટસ એક્ટિવીટી સેન્ટરને અગ્રિમતા.
• ટેનિસ કોર્ટ, હેલ્થ કલબ, સ્પોર્ટ સેન્ટર, ક્રિકેટ કોચિંગ સેન્ટર, મહિલા ક્રિકેટકપનું આયોજન.
• ઉત્તર અને પૂર્વ ઝોનમાં ડ્રેનેજ-પ્રોજેક્ટના કામોને અગ્રિમતા.
• મ્યુનિસિપલ સ્ટાફ માટે કર્મયોગી આવાસ યોજના.

You might also like