કિડનીની બીમારીથી પીડાતા યુવકને ધમકાવી માર મારતો કથિત પોલીસકર્મીનો વીડિયો વાઈરલ

અમદાવાદ: અમરાઇવાડી વિસ્તારમાં આવેલ અંબિકાપાર્કના ખુલ્લા મેદાનમાં પોલીસ હોવાની ઓળખ આપીને ‌િરવોલ્વર લટકાવીને આવેલા શખ્સે બીમારીથી પીડાતા એક યુવકને ધમકાવીને માર મારતો વીડિયો વાઇરલ થયો છે. સ્પેશિયલ બ્રાંચમાંથી આવીએ છીએ, હું તને ઉપાડવા આવ્યો છું તેવું કહીને આ શખ્સે યુવકને બે ઝાપટ મારીને એક મહિલા પાસે માર ખવડાવ્યો હતો.

આ વીડિયોથી પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. કમર પર રિવોલ્વર લટકાવીને સાદા કપડામાં રોફ મારતો આ શખ્સ ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે કે પછી પોલીસનો સ્વાંગ રચ્યો છે તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલાં અમરાઇવાડી વિસ્તારમાં આવેલ અંબિકાપાર્ક પાસે રહેતા મૂકેશ કાનજીભાઇ આયરની રિક્ષાનું લોક અજાણ્યા શખ્સોએ તોડી નાખ્યું હતું. આ મામલાને લઇ મૂકેશે અંબિકાપાર્ક પાસે બેસતા સતીશ હસમુખભાઇ પરમાર અને બીજા યુવકો પર પથ્થરમારો કર્યો હતો, જેથી સતીશ અને મૂકેશ સામસામે આવી જતાં મારામારી થઇ હતી. મામલો થાળે પડતાં લોકો વેરવિખેર થઇ ગયા હતા.

ગઇ કાલે સવારે મૂકેશ તેના એક મિત્રને બોલાવી લાવ્યો હતો, જેણે પોતાની ઓળખ સ્પેશિયલ બ્રાંચના પોલીસ કર્મચારી તરીકે આપી હતી. રિવોલ્વર લટાવીને આવેલા આ શખ્સે સતીશને બોલાવ્યો હતો અને જાહેરમાં અપમા‌િનત કરીને બે લાફા ઝીંકી દીધા હતા અને મૂકેશની માતા પાસે માર પણ ખવડાવ્યો હતો. મૂકેશની માતાએ કપડાં ધોવાના ધોકા વડે સતીશને જાહેરમાં માર્યો હતો.

રિવોલ્વર લટાવીને આવેલા શખ્સે સતીશને ધમકી પણ આપી હતી કે અંબિકાપાર્કમાં જેટલી વખત દેખાઇશ તેટલી વખત હું તને મારીશ. પોલીસવાળા કોઇ આ લોકોને નહીં મારે, પૈસા ખાઇને છોડી દેશે. આ તો સ્પેશિયલ બ્રાંચથી આવીએ છીએ એટલે હું તને ઉપાડવા આવ્યો છું. ગાંધીનગર બ્રાંચ ઉઠાવીને લઇ જશે. સાત વર્ષ સુધી બહાર નહીં આવે તેવી ધમકી આપતો હતો. સતીશને આ શખ્સ ધમકાવતો હતો ત્યારે સ્થાનિક નાગ‌િરકે તેનો વી‌િડયો ઉતારી લીધો હતો. સતીષને કિડનીનો પ્રોબ્લેમ હોવાથી છેલ્લા છ મહિનાથી ડાયાલિસીસ કરાવી રહ્યો છે.

સતીશે આ મામલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઝોન-પના ડીસીપી હીમકરસિંઘે જણાવ્યું છે કે વી‌િડયોમાં દેખાતો શખ્સ કોણ છે તેની પહેલાં ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે. જો તે પોલીસ નહીં હોય તો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થશે અને જો તે પોલીસ કર્મચારી હશે તો પણ તેના વિરુદ્ધમાં તપાસ થશે.

અગિયાર વર્ષ પહેલાં સતીશના પિતાને આ જગ્યા પર પોલીસ કર્મચારીએ જીવતા સળગાવી દીધા હતા.  સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશના પિતા હસમુખભાઇને કોઇ કારણસર નશાબંધી વિભાગમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે સોલ્વન્ટ છાંટીને જીવતા સળગાવી દીધા હતા, જેમાં અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

You might also like