આરટીઓના મેમોમાં છેડછાડ કરતા એજન્ટને ઝડપી લેવાયો

અમદાવાદ: વાહન ડીટેઇન કર્યા બાદ ટ્રાફિક પોલીસે વાહન ચાલકને આપેલા મેમામાં છેડછાડ કરનાર આરટીઓ એજન્ટની ઝોન પાંચના ડીસીપી સ્કોડે ધરપકડ કરી છે.

રખિયાલ વિસ્તારમાં આવેલ કલંદરી મસ્જિદની ચાલીમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા વસીમ સમીમઆલમ રાજપૂતે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં એક એજન્ટ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે તારીખ ૩૦ માર્ચના રોજ સારંગપુર બ્રિજના છેડે પોલીસે વસીમની રિક્ષા ડીટેઇન કરી હતી.

રિક્ષા છોડાવવા માટે વસીમ વસ્ત્રાલ આરટીઓમાં ગયો હતો જ્યાં તેની મુલાકાત આરટીઓ એજન્ટ વિશાલ મોહનભાઇ તિવારી (રહે શિવાનંદનગર અમરાઇવાડી) સાથે થઇ હતી. વિશાલે વસીમને ચાર હજાર રૂપિયામાં રિક્ષા છોડાવી આપવાની બાંયધરી આપી હતી. વસીમે વિશાલની વાત માનીને બે હજાર રૂપિયા એડ્વાન્સ અને ટ્રાફિકે ડીટેઇન કરેલી રિક્ષાનો મેમો આપ્યો હતો.

વસ્ત્રાલ આરટીઓમાં વસીમે બે હજાર રૂપિયા વિશાલને આપી દીધા હતા. વિશાલે વસીમને કહ્યું હતું કે તમારી રિક્ષાની પરમિટ પૂરી થઇ ગઇ છે જેના માટે બીજા પાંચ હજાર રૂપિયા આપવા પડશે. વધુ રૂપિયાની માગણી કરતાં વસીમે વિશાલ પાસેથી મેમો અને ચાર હજાર રૂપિયા પરત માગી લીધા હતા.

વિશાલે રૂપિયા અને મેમો પરત આપતાં તે તાત્કાલીક સારંગપુર ગયો હતો અને મેમો ફાડનાર પોલીસ કર્મચારીને વિનંતી કરીને મેમો કોર્ટમાં ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી. પોલીસ કર્મચારીએ મેમો જોતાં તેમાં છેડછાડ કરેલ હોવાનું જણાવ્યું હતું. વિશાલે મેમાની અંદર મોટર વિહિકલ એક્ટની લખેલ કલમ ભૂંસી નાખી તેણે પોતાની રીતે કલમ ૧૮૪ અને ૧૧૯ લખી નાખી હતી.

તેમજ મેમાના કોલમ નંબર નવનું લખાણ પણ ભૂંસી નાખ્યું હતું. અમરાઇવાડી પોલીસે વિશાલ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.ઝોન પાંચના ડીસીપી હિમકરસિંઘે તાત્કાલીક અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા આદેશ કર્યા હતો અને આરોપી વિશાલની ધરપકડ કરી હતી.

You might also like