પુત્રીના પ્રેમીને છરી મારનાર રીઢો આરોપી આખરે પકડાયો

અમદાવાદ: શહેરની વટવા જીઆઇડીસી પોલીસે અપહરણના ગુનામાં નાસતા ફરતા એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. આ ગુનેગારે એક વર્ષ પહેલાં તેની પુત્રીના પ્રેમીનું અપહરણ કરીને તેના ગળા પર છરી મારી હતી જેમાં વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો.

વટવા જીઆઇડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન.વાઘેલા અને તેમની ટીમે ગઇ કાલે શિવારામ ઉર્ફે શિવા વાઘજીભાઇ ચૌધરી (રહે અર્નાથ સોસાયટી, ઓઢવ)ની અપહરણના ગુનામાં ધરપકડ કરી છે. પીએસઆઇ વી.એન.વાઘેલાના જણાવ્યા અનુસાર શિવારામ મૂળ ઊંઝા તાલુકાના ઉનાવા ગામનો રહેવાસી છે. તેના વિરુદ્ધમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં 12 કરતાં વધુ ગુના ખંડણી માગવાના તેમજ મારામારીના ગુના દાખલ થયા છે ત્યારે 1997માં ઉનાવા ગામમાં એક વ્યકિતની કરપીણ હત્યા પણ તેેણે કરી હતી. આ સિવાય ઓઢવ વિસ્તારમાં મારામારીનો ગુનો પણ દાખલ થયો છે.

એક વર્ષ પહેલા શિવારામની પુત્રીને ભાવિક નામના યુવક સાથે પ્રેમ સંબધ હતો. જેમાં તેઓ બન્ને જણાં લગ્ન કરવા માટે ભાગી ગયાં હતાં. જોકે શિવારામ તેની પુત્રીને પાછો લઇને આવ્યો હતો. ત્યારબાદ તેની પુત્રી ફરીથી ભાવિક સાથે ભાગી ગઇ હતી. શિવારામે તેનું અપહરણ કરી દીધું હતું અને અલગ અલગ જગ્યા લઇ જઇને તેને ઢોર માર માર્યો હતો ત્યારબાદ તેના ગળા પર છરીનો ઘા ઝીંકી દઇનો ઓઢવ વિસ્તારમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શિવારામ વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. જેમાં તે નાસતો ફરતો હતો. ગઇ કાલે પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી છે.

http://sambhaavnews.com/

You might also like