ગેંગરેપ કેસઃ આરોપી વૃષભ મારુ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો

અમદાવાદ: ચકચારી સેટેલાઇટ ગેંગ રેપ કેસના આરોપી વૃષભ મારુ આજે સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં પોતાના વકીલ સાથે હાજર થયો હતો. કેસની આરોપી યામિનીની ક્રાઇમ બ્રાંચે કરેલી અટકાયત બાદ બીજા દિવસે આરોપી ગૌરવ દાલમિયા ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થયો હતો અને હવે વૃષભ મારુ પણ પોતાના વકીલ સાથે ક્રાઇમ બ્રાંચમાં સામેથી હાજર થઇ જતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

આરોપી વૃષભ મારુએ પોતે નિર્દોષ હોવાનું અને યુવતીને ઓળખતો ન હોવાનું જણાવ્યું છે. અત્યાર સુધી તે મધ્યપ્રદેશના મંદસૌર ખાતે હતો. નોકરીમાં ટ્રાવેલિંગ કરવાનું હોવાથી તેને અવારનવાર બહારગામ જવું પડતું હોય છે.

આજે બપોર બાદ પીડિતા મેટ્રો કોર્ટમાં બંધ બારણે જજ સમક્ષ સીઆરપીસીની કલમ 164 અંતર્ગત નિવેદન નોંધાવશે. ગેંગરેપ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા સામે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની બપોરે આજે ૨.૩૦ વાગ્યે સુનાવણી કરવામાં આવશે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ હાઇકોર્ટ સમક્ષ બનાવના દિવસોના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર રજૂ કરશે.

૧૬૪નું નિવેદન એટલે શું?
સીઆરપીસી ૧૬૪ના નિવેદનને કન્ફેશનલ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. કોઇ પણ કેસના ફરિયાદી, નજરે જોનાર સાક્ષી કે ભોગ બનનાર પોતાનું નિવેદન મે‌જિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪મી કલમ હેઠળ સ્વેચ્છાએ નોંધાવી શકે છે.

કોઇ પણ ચકચારી કેસમાં કે પછી તપાસ કરતા પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો થયા હોય ખાસ કરીને તેવા કેસમાં મે‌િજસ્ટ્રેટ સમક્ષ ૧૬૪નું નિવેદન લેવામાં આવે છે. ૧૬૪નું નિવેદન લેવાય ત્યારે કોર્ટરૂમમાં મે‌િજસ્ટ્રેટ, તેમનો સ્ટાફ અને નિવેદન નોંધાવનાર સિવાય કોઇ હાજર હોતું નથી.

નિવેદન નોંધાઇ ગયા બાદ તેને સીલબંધ કવરમાં મુકાય છે. નિવેદનને સંબંધિત કેસની ચાર્જશીટ સાથે કોર્ટમાં મોકલી આપવામાં આવે છે. નિવેદન આપનારની જુબાની જે તે ટ્રાયલ કોર્ટમાં ચાલતી હોય ત્યારે મે‌િજસ્ટ્રેટ સમક્ષ આપેલું ૧૬૪નું નિવેદન કોર્ટ દ્વારા ખોલવામાં આવે છે, જેથી આ ૧૬૪નું નિવેદન મે‌િજસ્ટ્રેટ સમક્ષ આપ્યા બાદ સીધું ટ્રાયલ જજ સામે જ ખૂલે છે, જેથી આ નિવેદનને મહત્ત્વનો પુરાવો માનવામાં આવે છે.

મે‌જિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪નું નિવેદન આપનાર કોઇ પણ વ્યકિત ટ્રાયલ કોર્ટમાં પોતાનું નિવેદન બદલી નાખે તો નિવેદન આપનાર વ્યકિતને કોર્ટ હોસ્ટાઇલ જાહેર કરતી હોય છે. ઘણી વખત ફરિયાદી, ભોગ બનનાર, નજરે જોનાર સાક્ષી કે પછી આરોપીએ પોલીસ સમક્ષ આપેલું નિવેદન કોર્ટમાં જુબાની વખતે બદલી નાખશે તેવી શંકા હોય તેવા કેસમાં પોલીસ સામેથી સીઆરપીસી ૧૬૪નું નિવેદન લેવાનો આગ્રહ રાખે છે.

You might also like